કેરળમાં ચોતરફ પૂરનાં પાણી ફરી વળ્યા
જોત-જોતામાં જ આખું ઘર પૂરનાં વહેણમાં તણાયું
ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસાએ વિદાય લેતા લેતા વરસાદે ફરીથી દેશભરના કેટલાક રાજ્યોબે તરબતોળ કરી નાંખ્યા છે. ક્યાંક આ વરસાદ રાહત આપી રહ્યો છે તો ક્યાંક જીવલેણ બની ગયો છે. કેરળમાં સતત વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અહીં પૂર અને ભૂસ્ખલનને કારણે કુલ 27 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 8 લોકો ગુમ છે. કેરળના કોટ્ટાયમ જિલ્લામાં ગઈ સાંજે પૂરમાં એક આખું ઘર તણાઇ ગયું હતું.

- Advertisement -
રસ્તા પર ઉભેલા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. અકસ્માત સમયે ઘરમાં કોઈ નહોતું. કોઈને પણ કોઈ જાનહાની થયાના સમાચાર નથી. કેરળમાં રવિવારે વરસાદનું જોર થોડું ધીમું પડ્યું, પરંતુ પછી થોડો સમય વિનાશકારી વરસાદ પડતા જ ભૂસ્ખલનની દર્દનાક તસવીર સામે આવી. કેરળના કોટ્ટાયમ જિલ્લામાં પૂરમાં એક આખું ઘર તણાઇ ગયું હતું. આ ઉપરાંત અનેક જિલ્લામાં કેટલાક લોકો લાપતા પણ છે. અહીં થલ સેના, વાયુસેના, નૌસેના તેમજ એનડીઆરએફનું બચાવ અભિયાન ચાલુ છે. એનડીઆરએફએ આઠ મહિલા અને સાત બાળક સહિત 33 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે મોકલ્યા છે. હવામાન વિભાગના મતે, કેરળમાં એક-બે દિવસમાં વરસાદનું જોર ઘટશે.

ઉત્તર ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડ માટે, હવામાન વિભાગે સોમવાર માટે રેડ એલર્ટ અને મંગળવાર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચાર ધામ યાત્રાને હાલ માટે રોકી દેવામાં આવી છે. સોમવાર માટે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે.
- Advertisement -
દિલ્હીમાં રવિવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે, પશ્ચિમ યુપી અને હરિયાણામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે.



