રાજધાની દિલ્હી અને એનસીઆર સહિત દેશના વિવિધ રાજ્યોમાં શિયાળાના સળવળાટ સાથે જ પ્રદૂષણનું સ્તર વધવા માંડ્યું છે. દિલ્હી, યુપી અને હરિયાણાના ઘણા શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ‘બહુ ખરાબ’ની શ્રેણીમાં પહોંચી ગયો છે. દિલ્હી નજીકના ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદમાં AQI 400ને પાર પહોંચી ગયો છે જ્યારે યુપીના મેરઠમાં હવાની ગુણવત્તામાં ઘટાડા સાથે AQI 500ને પાર છે, જે ખતરનાક શ્રેણીમાં આવે છે. દિલ્હીમાં એર ક્વોલિટી ‘ખરાબ’ની શ્રેણીમાં નોંધાઇ અને AQI 244 રહ્યો જ્યારે ફરીદાબાદમાં AQI 250ની આસપાસ છે. દિલ્હી-એનસીઆરના પડોશી રાજ્યો- પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન અને એમપીમાં પરાળી બાળવાની ઘટનાઓને કારણે હવાની ગુણવત્તા ઘટવાથી પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણ ઘટાડવા દિલ્હી સરકાર આજથી ‘રેડ લાઇટ ઓન, ગાડી ઑફ’ અભિયાન શરૂ કરી રહી છે.



