1.50 લાખ ઘરોમાં પોરાનાશક કામગીરી, 404 આસામીઓને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહકજન્ય તેમજ પાણીજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય શાખા મારફત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મચ્છરોની ઉત્પત્તિ રોકવા પરંપરાગત પદ્ધતિઓની સાથે આધુનિક ડ્રોન ટેકનોલોજી અને AI આધારિત સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ શરૂ કરાયો છે.મનપા દ્વારા કુલ ૧૬૧.૮૫ ચો.કિ.મી. પૈકી હાઇરિસ્ક ગણાતા વોર્ડ નં. ૧૧, ૧૮, ૩, ૪ અને ૧૩માં ૫૯.૩૯ ચો.કિ.મી. વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સર્વે દરમિયાન ૪,૭૩૧ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળો (Breeding Sources) શોધી કાઢવામાં આવ્યા હતા, જે પૈકી ૧,૩૪૦ સ્થળો પર દવા છંટકાવ અને સોર્સ રિડક્શનની કામગીરી પૂર્ણ કરી લેવાઈ છે. વોકળા, નદીના પટ તથા દુર્ગમ ખાડા-ખાબોચિયા જેવા સ્થળોએ ડ્રોન મારફતે ૪૦ કલાક અને ૦૯ મિનિટ સુધી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
તા. ૧૭ થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન આરોગ્ય ટીમો દ્વારા કુલ ૧,૫૦,૧૭૨ ઘરોમાં પોરાનાશક કામગીરી અને ૯૩૩ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રહેણાંક સિવાયના ૪૦૯ કોમર્શિયલ પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, હોસ્પિટલ, સ્કૂલ, હોટેલ, સ્ક્રેપના ડેલા વગેરે)ની તપાસ કરવામાં આવી હતી. મચ્છરોના બ્રીડિંગ મળી આવતા રહેણાંક વિસ્તારમાં ૩૧૨ અને કોમર્શિયલ વિસ્તારમાં ૯૨ મળી કુલ ૪૦૪ આસામીઓને નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.




