કચ્છના અખાતથી બેટ-દ્વારકા સુધી ડોલ્ફિન સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર
ઓખાથી નવલખી સુધીના 1,384 ચો.કિ.માં 498, કચ્છ વર્તુળના 1,821 ચો.કિ.માં 168, ભાવનગરમાં 10 અને મોરબીમાં 4 ડોલ્ફિન નોંધાઈ છે
ભારત સરકારે 5 ઓક્ટોબર, 2009ના રોજ ગંગા ડોલ્ફિનને દેશના રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરી હતી
ગુજરાતે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે દેશભરમાં આગવી ઓળખ ઉભી કર્યા બાદ હવે દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. દરિયાઈ જીવસૃષ્ટિના સૌથી બુદ્ધિશાળી, સુંદર અને માનવમિત્ર જળચર તરીકે ઓળખાતી ડોલ્ફિનના સંરક્ષણ અને સંવર્ધનમાં ગુજરાત આજે દેશ માટે એક આદર્શ મોડેલ બની રહ્યું છે. રાજ્ય સરકાર અને વન વિભાગના સતત પ્રયાસોના પરિણામે ગુજરાતનો વિશાળ દરિયાકિનારો ડોલ્ફિન માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે વિકસી રહ્યો છે. વર્ષ-2025ની અંતિમ ગણતરી મુજબ ગુજરાતના 4,087 ચોરસ કિલોમીટર દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680થી વધુ ડોલ્ફિનની હાજરી નોંધાઈ છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતનો દરિયાકાંઠો હવે માત્ર પ્રવાસનનું આકર્ષણ જ નહીં, પરંતુ દરિયાઈ જૈવવિવિધતાના સંરક્ષણ માટે પણ દેશભરમાં એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. ખાસ કરીને દ્વારકા નજીક આવેલા શિવરાજપુર અને પોશિત્રાના દરિયાકિનારા ડોલ્ફિન નિહાળવા માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે ઉભરી રહ્યા છે. અહીંનું નિર્મળ અને સ્વચ્છ પાણી ડોલ્ફિનના વસવાટ માટે અનુકૂળ હોવાથી પ્રવાસીઓને સહેલાઈથી ડોલ્ફિનના ઝુંડ જોવા મળે છે. દરિયામાં લહેરો સાથે કૂદકાં મારતી અને રમૂજી કલાબાજી કરતી ડોલ્ફિન પ્રવાસીઓ માટે અદભૂત આકર્ષણનું કેન્દ્ર બની છે.
ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં આવેલો કચ્છનો અખાત ડોલ્ફિનનું મુખ્ય નિવાસસ્થાન માનવામાં આવે છે. કચ્છના અખાતના દક્ષિણ ભાગમાં આવેલા ભારતના પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી વિસ્તારમાં ડોલ્ફિનની સૌથી વધુ વસતી જોવા મળે છે. ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા 1,384 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અંદાજે 498 ડોલ્ફિન વસવાટ કરતી હોવાનું અનુમાન છે. આ ઉપરાંત કચ્છ વર્તુળના 1,821 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 168, ભાવનગર વિસ્તારમાં 10 અને મોરબી જિલ્લામાં 4 ડોલ્ફિન નોંધાઈ છે. વિજ્ઞાનીઓના મતે ડોલ્ફિન માત્ર એક આકર્ષક જળચર નથી, પરંતુ દરિયાઈ પર્યાવરણના સંતુલન માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રાણી છે. દરિયાઈ આહાર શૃંખલાના ટોચના શિકારી તરીકે ડોલ્ફિન સમુદ્રી ઇકોસિસ્ટમને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યાં ડોલ્ફિનની સંખ્યા સારી હોય ત્યાં દરિયાઈ પર્યાવરણ પણ સમૃદ્ધ અને સ્વસ્થ હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં ડોલ્ફિનના સંરક્ષણ માટે વન વિભાગની સાથે માછીમાર સમાજનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. માછીમારી દરમિયાન ડોલ્ફિનને નુકસાન ન પહોંચે તે માટે જાગૃતિ કાર્યક્રમો અને સંરક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. આ સંયુક્ત પ્રયાસોના પરિણામે આજે ગુજરાતનો દરિયાકિનારો ડોલ્ફિન માટે વધુ સુરક્ષિત બન્યો છે.
ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં મુખ્યત્વે ઇન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન અને બોટલનોઝ ડોલ્ફિન જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન તેની પીઠ પરની વિશિષ્ટ ખૂંધ અને લાંબી ડોર્સલ ફિનના કારણે સરળતાથી ઓળખી શકાય છે. સામાન્ય રીતે આ ડોલ્ફિન 2.5થી 3.2 મીટર લાંબી અને 150થી 250 કિલોગ્રામ વજન ધરાવતી હોય છે. રસપ્રદ બાબત એ છે કે ડોલ્ફિન માછલી નહીં પરંતુ સસ્તન પ્રાણી છે. તે ફેફસાં દ્વારા શ્વાસ લે છે અને સમયાંતરે પાણીની સપાટી ઉપર આવીને શ્વાસ લેતી હોવાથી દરિયાઈ સફર દરમિયાન આ દૃશ્ય પ્રવાસીઓને વિશેષ રોમાંચિત કરે છે. તેના બુદ્ધિશાળી, મૈત્રીપૂર્ણ અને રમૂજી સ્વભાવને કારણે તેને ‘માનવમિત્ર જળચર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડોલ્ફિન લુપ્ત થતી પ્રજાતિઓમાં સામેલ હોવાથી તેના શિકાર અથવા તેને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવું કાયદેસર ગુનો ગણાય છે અને તે બિનજામીનપાત્ર ગુનાની શ્રેણીમાં આવે છે. તેથી ડોલ્ફિનના સંરક્ષણ માટે સમાજના દરેક વર્ગે જાગૃત રહેવાની જરૂરિયાત છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 5 ઓક્ટોબર, 2009ના રોજ ગંગા ડોલ્ફિનને દેશના રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરી હતી. આજે કચ્છથી ભાવનગર સુધીનો ગુજરાતનો વિશાળ દરિયાકિનારો ડોલ્ફિનના સંરક્ષણ અને દરિયાઈ પ્રવાસન બંને માટે નવી ઓળખ ઉભી કરી રહ્યો છે. ખાસ કરીને યાત્રાધામ બેટ-દ્વારકા આવતા લાખો યાત્રિકો અને પ્રવાસીઓને બેટ આસપાસના સમુદ્રમાં ડોલ્ફિનના દર્શનનો અનોખો અને યાદગાર અનુભવ મળે છે. નિર્મળ દરિયો, સમૃદ્ધ જૈવવિવિધતા અને ડોલ્ફિનની વધતી હાજરી ગુજરાતને દરિયાઈ પર્યટન અને સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક નકશા પર વિશિષ્ટ સ્થાન અપાવી રહી છે.




