મનપાએ વાર્ષિક રૂ. 21 લાખની અપસેટ પ્રાઈઝ સાથે ટેન્ડર બહાર પાડ્યું; 7 વર્ષના કોન્ટ્રાક્ટ માટે 28મી સુધીમાં અરજી કરી શકાશે
- Advertisement -
સ્વાદના શોખીન રાજકોટિયનોને એક જ સ્થળે સ્વચ્છ, સુઘડ અને આધુનિક સુવિધાઓ સાથે વિવિધ વાનગીઓનો આનંદ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક મોર્ડન ફૂડ કોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અમીન માર્ગ અને 150 ફૂટ રિંગ રોડના કોર્નર પર કાર્યરત ફૂડ કોર્ટની સફળતા બાદ હવે તંત્રએ પુષ્કરધામ મેઈન રોડ પર નવું ફૂડ કોર્ટ ઊભું કરવાનો નિર્ણય લઈ ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે.આ પ્રોજેક્ટ થકી મહાનગરપાલિકાને કાયમી આવક ઊભી થાય તે હેતુથી સંચાલન માટે વાર્ષિક પ્રિમિયમની અપસેટ પ્રાઈઝ રૂ. 21 લાખ નક્કી કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો માટે ડિપોઝિટ, લાયકાતના ધોરણો તથા અન્ય નિયમો અને શરતો મનપાની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે. રસ ધરાવતી એજન્સીઓ તારીખ 28મી સુધીમાં ટેન્ડર ભરી શકશે.પુષ્કરધામ મેઈન રોડ પર જે સ્થળે આ ફૂડ કોર્ટ આકાર લેવાનું છે, ત્યાં અગાઉ શાકમાર્કેટ માટેનો હોકર્સ ઝોન કાર્યરત હતો. આ જગ્યાએ વિશાળકાય ડોમ અને સિમેન્ટ ફ્લોરિંગ સહિતનું માળખું પહેલેથી જ તૈયાર છે, જેના કારણે મુલાકાતીઓ દરેક ઋતુમાં આરામથી બેસીને ભોજનનો સ્વાદ માણી શકશે. કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીએ આ ડોમમાં અલગ-અલગ ફૂડ સ્ટોલ ઊભા કરવા સહિતનું તમામ ડેવલપમેન્ટ કરવાનું રહેશે. ફૂડ કોર્ટના પેટા સ્ટોલના ભાડાની આવક કોન્ટ્રાક્ટરની રહેશે, જેમાંથી તેમણે મનપાને નક્કી થયેલું વાર્ષિક પ્રિમિયમ ચૂકવવાનું રહેશે.




