48માં ક્રમે ફેંકાયેલા રાજકોટમાં સ્વચ્છતા માટે મનપા ખરેખર કામગીરી કરે છે ?
રૂપિયાના ઘૂળઘાણી સાથે સ્વચ્છતા અંગે ઉભી કરેલી અનેક મિલકતો પડતર હાલતમાં
- Advertisement -
મહાપાલિકાની જાહેર મિલકતોમાં સાફ-સફાઈની કામગીરી દિવાસ્વપ્ન !
સ્વચ્છતા અંગે મોટી મોટી વાતો કરતું રાજકોટનું મનપા શર્મજનક સ્થિતિમાં મુકાયું છે. બે-ત્રણ દિવસ પહેલાં સ્વચ્છતાં માટે રાજકોટ 48માં ક્રમે ફેકાયું હતું. જે રાજકોટ માટે ખરેખર ખરાબ વાત છે. દેખાડાઓમાં જીવતું રાજકોટ મનપાનું વહિવટી તંત્ર નોંધપાત્ર કામગીરી કરવાને બદલે રૂપિયાનું ધૂળધાણી જ કરી રહી છે તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં જાહેર સ્થળોએ સામાન્ય જનતા માટે સ્વચ્છતાના અભિગમ માટે પબ્લિક ટોયલેટ મુકવામાં આવ્યા છે. પરંતુ માત્ર ટોયલેટના ખોખા ઉભા કરીને સંતોષ માનતી મનપા તે ટોયલેટની સ્વચ્છતા જાળવવા નામે મીડું સાબિત થઈ છે.
સુવિધાના નામે ઉભી કરેલી મિલકતો આજે ગંદકીઓના ઢેર સાબિત થઈ રહી છે. આવી મિલકતોમાં કોઈપણ પ્રકારની સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. જાહેર મિલકત જોતાં જ સફાઈ કોણ જાણે ક્યારે કરી હશે તેવા પ્રશ્નો ઊભા થાય છે. પ્લાસ્ટિકના કચરાં અને ધૂળના ઢેફાં પબ્લિક ટોયલેટમાં જોવા મળે છે. ત્યારે એનો ઉપયોગ કરવાની વાત તો દૂર જ રહી. રોગચાળા માટે કામ કરતું મનપા રોગચાળાને ઉત્પન્ન કરવાનું કારણ બની બેઠું છે. સામાન્ય જનતાના વપરાશ માટે બનાવેલી સાધન-સુવિધાઓમાં સમયાંતરે કોઈપણ પ્રકારની સાફ-સફાઈની કામગીરી ન કરતાં તે ગંદકીથી ભરપૂર થઈ જાય છે અને જનતા તેનો વપરાશ કરવાનું જ ટાળી દે છે અને જોત જોતામાં પડતર મિલકત બની જાય છે. પડતર મિલકત બનતાં જ સરકારી રૂપિયાનો વેડફાટ કે જે કોઈને ઉપયોગી ન થતો નથી. રાજકોટમાં આવી તો કેટલી પડતર મિલકતો હવે ખંડેર બની ગઈ હશે.
- Advertisement -
રાજકોટને 48માં ક્રમે આવેલું જોઈને સ્વચ્છતા માટે સુષુપ્ત અવસ્થામાં રહેલી મનપા હવે જાગે તો સારી વાત છે. જાહેર મિલકતોની જાળવણી જરૂરી છે. માત્ર વાતો કરવાને બદલે સાફ-સફાઈ કરવાની કામગીરીને નિયમિત બનાવવાની જરૂરિયાત છે. ત્યારે કદાચ રાજકોટ 48 ક્રમાંકથી આગળ આવી શકે.



