ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો અંગે નાગરિકોની રજૂઆત, ઝડપી નિરાકરણની અપાઈ ખાતરી
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાન્ચ) જગદીશ બાંગરવા, નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-1) હેતલ પટેલ, ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) રાકેશ દેસાઈ, મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી. જાધવ, એમ.એમ. લાલીવાલા સહિતના અધિકારીઓ, સામાજિક-રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
લોકદરબાર દરમિયાન નાગરિકોએ વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાઓ, અસામાજિક પ્રવૃત્તિઓ અને જાહેર સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી. રજૂઆતો સાંભળ્યા બાદ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક અને અસરકારક નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની બાંહેધરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવાએ સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ અને નશાકારક પદાર્થો અંગે જાગૃતિ લાવવા નાગરિકોને અપીલ કરી હતી. જ્યારે ઈન્ચાર્જ ડીસીપી ટ્રાફિક રાકેશ દેસાઈએ ટ્રાફિક નિયમોના પાલન અને માર્ગ અકસ્માતો અટકાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ લોકદરબાર દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થતાં નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું.




