નિષ્ફળતા ન પચાવી શકનાર પૂર્વ સહકારી આગેવાનો વર્તમાન આગેવાનો પર ખોટા આક્ષેપો કરવાનું બંધ કરે: જે. કે. પીપળીયા
છેલ્લાં કેટલાક સમયથી રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં ભારે ખટરાગ જોવા મળી રહ્યો છે, ભ્રષ્ટાચારના આરોપ પણ મૂકવામાં આવ્યા છે જેને લઈને રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ, રાજકોટ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ મહેશભાઈ આસોદરીયા, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડિરેકટર જે. કે. પીપળીયા (જારીયા)એ યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાની સહકારી બેંકનો વહિવટ પારદર્શક અને પ્રમાણિકતાથી કરવામાં આવતો હોય અમુક શખ્સો બિલકુલ ખોટા અને વાહિયાત આક્ષેપો કરી વાતાવરણને ડહોળવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે ત્યારે રાજકોટ જિલ્લા બેંકના પ્રતિનિધિની નિમણુંકને હાલમાં થયેલા પાડાસણ સહકારી મંડળીના ઠરાવ સાથે કંઈ લાગતું વળગતું નથી તેમજ રાજકોટ જિલ્લા બેંક સત્તાની રૂએ કોઈપણ વ્યક્તિની બેંકના પ્રતિનિધિ તરીકે નિમણુંક કરી શકે છે તેમજ જિલ્લાની સહકારી સંસ્થાઓને હરહંમેશા ખેડૂત હિતની તેમજ ખેડૂતલક્ષી કામગીરી કરતી પ્રમાણિક રીતે કરી રહેલ હોય તેવી સહકારી સંસ્થાઓને બદનામ કરવાના મલિન ઈરાદાથી રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રોને ગુમરાહ કરવાના રાજકિય બદઈરાદાથી આવા પ્રયત્નો કરે છે જે ખેડૂતો ક્યારેય સાંખી નહીં લે.
આ તકે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ જણાવેલ કે જે લોકો ભ્રષ્ટાચારની વાતો કરે છે તે લોકો પોતાના ભૂતકાળ તરફ ડોકિયું કરે, માર્કેટીંગ યાર્ડમાં સત્તાઓ ન મળી હોવાથી મનઘડત આક્ષેપો કરી હાલ સુવ્યવસ્થિત ચાલી રહેલ કામગીરીથી ખેડૂત વર્ગને જે સુવિધા મળી રહી છે તેમાં બાધારૂપ બનવાના પ્રયાસો કરે છે. આ તકે વિજયભાઈ કોરાટએ જણાવેલ હતું કે પાડાસણ સહકારી મંડળીએ જે ઠરાવ રદ કરેલ છે તે 2020ની રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી વખતે મતદાનનો ઠરાવ કરેલો હોય છે, જે ઠરાવનું રા.લો. સંઘની ચૂંટણી પૂર્ણ થયા બાદ કંઈ વજૂદ રહેતું નથી, જેથી ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા માર્યુ’ે એવો ઘાટ સર્જીને કહેવાતા સહકારી આગેવાનો દ્વારા સાવ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ગપગોળા ચલાવવામાં આવે છે. આમ રાજકોટ જિલ્લાનું સહકારી માળખુ યુવા સહકારી નેતા જયેશભાઈ રાદડીયાની આગેવાનીમાં સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હોય અમુક લેભાગુ તત્ત્વોના પેટમાં તેલ રેડાયુ હોય આવા ખોટા આક્ષેપો અને કાવાદાવા કરીને સહકારી સંસ્થાઓને બદનામ કરવાના નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યા છે.


