ફરજ પરના સ્ટાફનો ભોજનનો ખર્ચ 27 લાખ, ડ્રોન વિઝ્યુઅલનો ખર્ચ 22 લાખ શંકાના દાયરામાં
ટર્મ ભલે પહેલાની હોય, લાખોના ભોજન અને ડ્રોન ખર્ચનો હિસાબ તો આપવો જ પડશેઃ મેયર ડૉ. નેહલ શુક્લ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા (મનપા) દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે રીતે ખડકાયેલા અંદાજે ૧૫૦૦ જેટલા કાચા-પાકા દબાણો દૂર કરવા માટે હાથ ધરાયેલું મેગા ડિમોલિશન અત્યારે ભારે વિવાદના વમળમાં સપડાયું છે. આ સમગ્ર કામગીરી પાછળ મનપા તંત્ર દ્વારા પ્રજાની પરસેવાની કમાણીમાંથી તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો હોવાની વિગતો સપાટી પર આવતા જ વિરોધનો વંટોળ શરૂ થયો છે. આ વિવાદિત બિલના મુદ્દે રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લએ આજે એક મહત્વની પત્રકાર પરિષદ યોજીને સમગ્ર મામલાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક સક્ષમ અધિકારીઓની વિશેષ તપાસ સમિતિ રચવાની સત્તાવાર જાહેરાત કરી છે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં મીડિયા સાથે વાતચીત કરતા મેયર ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, “જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ અંગે મીડિયા અને લોકમુખે જે સવાલો ઉઠી રહ્યા છે તેને અમે અત્યંત ગંભીરતાથી લીધા છે. અમારી સરકાર પારદર્શક વહીવટમાં માને છે. આ ઘટના હાલના બોર્ડની ટર્મ શરૂ થઈ તે પૂર્વેની હોવા છતાં, પ્રજાના એક-એક રૂપિયાનો સદઉપયોગ થાય તે જોવાની અમારી ફરજ છે. આથી મેં મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આદેશ આપીને સક્ષમ અધિકારીઓની એક તપાસ સમિતિ બનાવવાની સૂચના આપી છે.”
મેયરે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, બિલમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ, ખરેખર નિયમ મુજબ જ બધું થયું છે કે નહીં, તે તમામ પાસાં તપાસવામાં આવશે. તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર કસૂરવાર જણાશે, તો તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટના આધારે જ આ બિલો અંગે આખરી નિર્ણય કરશે. તપાસ સમિતિની આ જાહેરાત બાદ હવે જોવાનું એ રહેશે કે કરોડોના આ ‘મીજબાની અને વિડિયોગ્રાફી’ ખર્ચના વિવાદમાં કયા અધિકારીઓની સંડોવણી બહાર આવે છે.
- Advertisement -
મનપાના વહીવટી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રાથમિક હિસાબો મુજબ, ડિમોલિશન દરમિયાન ફરજ પરના સ્ટાફ અને મજૂરો માટેના ભોજન, નાસ્તા તેમજ લીંબુ પાણી પાછળ જ ૨૭.૨૦ લાખનો તોતિંગ ખર્ચ દર્શાવાયો છે. સમગ્ર ડિમોલિશન પ્રક્રિયાના શૂટિંગ અને વીડિયોગ્રાફી પાછળ ૨૨ લાખ ખર્ચાયા હોવાનું સામે આવ્યું છે. બજારભાવ કરતા અનેકગણા ઊંચા ભાવે આ બિલો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
સમિતિના રિપોર્ટના આધારે થશે કડક કાર્યવાહી
મેયરે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ સમિતિ સમગ્ર ખર્ચની તલસ્પર્શી અને વિગતવાર તપાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે. બિલમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ, ખરેખર નિયમ મુજબ જ બધું થયું છે કે નહીં, તે તમામ પાસાં તપાસવામાં આવશે. તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર કસૂરવાર જણાશે, તો તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટના આધારે જ આ બિલો અંગે આખરી નિર્ણય કરશે.
કોઈ પણ ઢીલ ચલાવી લેવાશે નહીઃ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેએ કહ્યું કે, “કોર્પોરેશનની અમારી પદાધિકારીઓની ટીમ આ બાબતે ખૂબ જ ગંભીર છે. અમે આ મુદ્દે આંતરિક ચર્ચા-વિચારણા કરી છે અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે આમાં કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં. હું પાર્ટી અધ્યક્ષ તરીકે જનતાને ખાતરી આપું છું કે આ સમગ્ર મામલાની પૂરેપૂરી તપાસ કરીને જ અમે આગળ વધીશું. આ માટે અમારા તમામ પદાધિકારીઓ કટિબદ્ધ છે.”




