વેકેશનમાં પર્યટકોની ભારે ભીડ વચ્ચે સુરક્ષા રામભરોસે: જાગૃત નાગરિકે ફાયર વિભાગને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલા ત્રિમંદિર સંકુલના ભોજનાલયમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં આગની દુર્ઘટનાઓમાં માસૂમોના મોતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ધાર્મિક અને જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ફરજિયાત હોવા છતાં અહીં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી કાર્યરત આ ત્રિમંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. હાલ વેકેશનનો માહોલ હોવાથી બાળકો અને પરિવાર સાથે આવતા પર્યટકોની ભીડ બપોર તેમજ રાત્રિના સમયે ભોજનાલયમાં વધુ જોવા મળે છે.
ભોજનાલયના રસોડામાં કોમર્શિયલ કઙૠ ગેસ સિલિન્ડરનો મોટા પાયે ઉપયોગ થતો હોવા છતાં ત્યાં આગ ઓલવવા માટેના પૂરતા સાધનો ઉપલબ્ધ નથી. જો કોઈ કારણસર શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજ જેવી ઘટના બને, તો મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર બેદરકારી મામલે એક જાગૃત નાગરિક દ્વારા ફાયર વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક તપાસ કરીને જરૂરી ફાયર સેફ્ટી સિસ્ટમ ઊભી કરાવવા માંગ કરી છે. ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં તંત્ર કડક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.



