શિયાળાની પહેલી ઠંડી માત્ર હવામાનનો બદલાવ નથી, જીવનની ભાગદોડ વચ્ચે થોડી હૂંફ શોધવાનો અવસર છે
ભવ્ય રાવલ : લેખક-પત્રકાર
- Advertisement -
એક વહેલી સવારે બારીના કાચ પર જામેલા ઝાકળના બિંદુઓ ચુપચાપ સંદેશો આપી જાય છે – ‘શિયાળો આવી ગયો છે.’ આ કોઈ એવો-તેવો ઋતુ-ફેરફાર નથી, આ તો પ્રકૃતિએ પૃથ્વીને ઓઢાડેલી એક મખમલી અને હૂંફાળી ચાદર છે. શિયાળાની પહેલી ઠંડીનો અનુભવ જાણે કોઈ જૂના – વિખૂટા પડેલા મિત્ર – માશૂકાના અચાનક થયેલા આલિંગન જેવો હોય છે.
ઓક્ટોબરના અંતની પેલી અકળાવનારી ગરમી અને બફારા પછી નવેમ્બરની કોઈ એક પરોઢે જ્યારે અડધી રાતે એસી બંધ કરવા ઉઠવું પડે કે પંખાની સ્પીડ પાંચ પરથી ઘટાડીને બે પર લાવવી પડે ત્યારે સમજવું કે શિયાળાએ ઉંબરે ટકોરા માર્યા છે. સવારના પહોરમાં પથારીમાંથી બહાર પગ મૂકતાની સાથે જ બેડરૂમની ટાઇલ્સની ઠંડક પગના તળિયેથી સીધી કરોડરજ્જુ સુધી એક મીઠી ધ્રુજારી દોડાવી જાય છે. કબાટના કોઈ ખૂણે આખું વર્ષ દબાઈને પડેલા ગરમ સ્વેટર અને શાલને બહાર કાઢતી વખતે આવતી ડામરની ગોળીઓની ગંધમાં પણ એક અલગ જ પ્રકારનો રોમાંચ ભળેલો હોય છે.
આ ઋતુની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માણસને પોતાની જાત સાથે અને પરિવાર સાથે થોડો વધુ નજીક લાવે છે. ઉનાળાની બપોરની જેમ આ ઋતુ તમને ઘરમાં પૂરી રાખતી નથી, બલ્કે સવારના કુમળા તડકામાં બહાર નીકળવા માટે આમંત્રણ આપે છે. શહેરના બગીચાઓમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા વડીલોના મફલર અને ટોપીઓ, રસ્તાના કિનારે તાપણાની આસપાસ બેસીને ચાની ચૂસ્કી લેતા શ્રમિકો, શાળાએ જતા બાળકોના મોંમાંથી નીકળતી સફેદ વરાળ… આ બધા દ્રશ્યો શિયાળાની પહેલી ઠંડીને જીવંત બનાવે છે.
- Advertisement -
આખું વર્ષ ગરમીથી અકળાયેલા આપણા સૌ માટે શિયાળાની આ પહેલી ઠંડી કુદરતની કોઈ અણમોલ ભેટથી ઓછી લાગતી નથી. ગુજરાતીઓ માટે તો શિયાળો એટલે માત્ર ઠંડીની ઋતુ નહીં પણ સ્વાદ અને સ્વાસ્થ્યનો ઉત્સવ. પહેલી ઠંડીની સાથે જ ઘરોમાં અડદિયા, ગુંદરપાક અને ખજૂરપાકની સુગંધ પ્રસરવા લાગે છે. વહેલી સવારે ગરમાગરમ ફાફડા-જલેબી કે મસાલા ચા કે કાવાની લારીઓ પર જામતી ભીડ એ વાતની સાક્ષી પૂરે છે કે, ઠંડી ભલે પારો ગગડાવે પણ જીવનનો ઉત્સાહ તો બમણો જ રહે છે.
શિયાળાની પહેલી ઠંડી આપણને બાળપણમાં પણ લઈ જાય છે. વહેલી સવારે શાળાએ જવા માટે સ્વેટર પહેરવાની મજબૂરી, માતાના હાથનું ગરમાગરમ હળદરવાળું દૂધ, તાપણાની આસપાસ બેસીને વાતો કરતા પરિવારજનો અને રજાના દિવસે મોડેમોડે સુધી પથારીમાં પડ્યા રહેવાની મજા… ઝાકળ વચ્ચે જાણે જીવનની નાની નાની ખુશીઓનું કોઈ સુંદર ચિત્ર આંખ સામે ઊભું થાય છે.
શિયાળાની પહેલી ઠંડી આપણને ધીમા પડવાનું શીખવે છે. ભાગદોડભરી જિંદગીમાં થોડી ક્ષણો થંભીને, હાથમાં ગરમ ચા-કોફી-કાવા-ગ્રીન ટીનો કપ લઈને, આકાશમાં ઊડતા પક્ષીઓ અને ધૂંધળા વાતાવરણમાં લપેટાયેલા આસપાસના દ્રશ્યોને નિહાળવાનો આ શ્રેષ્ઠ સમય છે. કારણ કે, આ ગુલાબી ઠંડી માત્ર શરીરને જ નહીં પણ મનને પણ એક અદભૂત તાજગી અને શાંતિ બક્ષે છે.



