વાકબારસ – ધનતેરસથી લઈ છેક ભાઈબીજ – લાભપાંચમ સુધી આપણો જ મેસેજ આપણને જ મુબારક!
ભવ્ય રાવલ : લેખક-પત્રકાર
- Advertisement -
દિવાળી – નૂતન વર્ષ દરમિયાન દેશભરમાં દારૂગોળા ફૂટે કે ન ફૂટે પણ વૉટ્સએપ પર શુભેચ્છાઓનો જબરદસ્ત બૉમ્બ ફૂટે છે. વાકબારસ – ધનતેરસથી લઈ છેક ભાઈબીજ – લાભપાંચમ સુધી લગાતાર સવારે ઊઠતા જ ફોન હાથમાં લો એટલે સ્ક્રીન પર નકરાં દીવડાં, જાતભાતની રંગોળીઓ, આકાશમાંથી વરસતા સોનાના સિક્કા અને ચળકતા ફોન્ટ્સનો ઢગલો ખડકાયેલો મળે.
રજાઓમાં કોઈ એક નિશાચર મહાશયે ગૂગલના અવાવરું ખૂણેથી ચોરીને ચાર લીટીનો ભારેખમ મેસેજ તૈયાર કર્યો હોય: ‘દિવાળી – નૂતન વર્ષ આપના જીવનમાં સુખ, સંપત્તિ, સ્વાસ્થ્ય અને શાંતિ લાવે…’ બસ, આટલું પૂરતું છે. સવાર થતાં સુધીમાં આ જ કાચો માલ બીજા પાંચ હજાર ગ્રૂપમાં પહોંચી જાય. હવે આમાં કેટલાક આધુનિક કળાકારો પોતાની અનોખી આવડત બતાવે. એમને લાગે કે ખાલી ફોરવર્ડેડ લખેલું જશે તો સામેવાળાને એમ થશે કે આને આપણા પ્રત્યે કંઈ લાગણી જેવું નથી, એટલે એ ચતુરાઈ અજમાવે. ઉપરનું લખાણ કૉપી કરે, નીચે ‘લિ. છગન’ ભૂંસીને ‘લિ. મગન’ લખી નાખે. ક્યારેક તો અતિશય ઉતાવળમાં એવી કરામત થઈ જાય કે ઉપર લખ્યું હોય ‘સ્નેહી વડીલ મગનભાઈને સાલમુબારક…’ અને આ મેસેજ મગનભાઈ પોતે બીજા પચાસ જણાને ચોંટાડી દે! સામેવાળો વાંચીને વિચારમાં પડી જાય કે મગનભાઈ પોતાના જ ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કેમ કરી રહ્યા છે?
સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થાય જ્યારે એક તરફ મેસેજમાં લખેલું હોય ‘આપના જીવનમાં સુખ – શાંતિનો અખૂટ સાગર વહેતો રહે…’ અને બીજી તરફ મેસેજ મોકલનારના પોતાના ઘરમાં સવારસવારમાં ચા બનાવવા જેવી નાનકડી બાબતે મહાભારત ચાલતું હોય! ડિજિટલ શુભેચ્છાઓમાં આખી દુનિયાને શાંતિ વહેંચનારા લોકો પોતાના ઘરના એક રૂમમાં શાંતિ જાળવી શકતા નથી! વળી, સુખ – શાંતિ – સંપત્તિ વધવાની શુભેચ્છાઓ સાથે ગમે એટલા સોનાના સિક્કાઓના સ્ટિકર – ઈમોજી – ફોટા મોકલો પણ સામેવાળાના બેંક એકાઉન્ટમાં કે સંબંધના વ્યવહારમાં એક કાણી પાઈ પણ વધવાની નથી.
- Advertisement -
સૌથી કરુણ અને હાસ્યાસ્પદ દૃશ્ય તો એ છે કે, તમે સવારે ઊઠ્યા ભેગો જ એક સરસ મજાનો ભારેખમ શબ્દોવાળો મેસેજ રમણિકભાઈને મોકલ્યો હોય. કલાક પછી ટિંગ કરતો નોટિફિકેશનનો અવાજ આવે અને તમે ખુશ થઈને જુઓ કે રમણિકભાઈનો વળતો જવાબ આવ્યો છે. પણ અફસોસ… વૉટ્સએપ ખોલીને જુઓ ત્યાં તો પગ નીચેથી જમીન સરકી જાય! રમણિકભાઈએ તમારો જ મેસેજ, તમારા જ ટાઈપો અને એ જ વાંકાચૂંકા ઈમોજી સાથે તમને જ પાછો પધરાવી દીધો હોય!
કેટલાક ડિજિટલ દાનેશ્વરો તો એટલી ઝડપથી રીપ્લાય આપે કે આખો મેસેજ વાંચ્યો પણ છે કે નહીં એની ખાતરી નથી હોતી. શુભેચ્છા મોકલાઈ ગઈ એટલે લાગણી વ્યક્ત થઈ ગઈ! કોઈને ફોન કરીને બે મિનિટ વાત કરવાની તસ્દી નથી લેવી, પણ સો લોકોને મેસેજ મોકલીને સંબંધોના મસ્ટરમાં હાજરી પુરાવી લેવી છે. એમાં વળી અમુક શુભેચ્છા-વીરો તો હેપ્પી ધોકો કે ધોકા દિવસની શુભકામનાના મેસેજ લખીને મોકલે! સોરી, લખીને નહીં ફોરવર્ડ કરીને!
પહેલાંના જમાનામાં નૂતન વર્ષના દિવસોમાં લોકો નવાં કપડાં પહેરીને સગાં-સંબંધીઓના ઘેર રામ-રામ કરવા જતાં, વ્હાલાઓને ગળે મળતાં ને વડીલોને પગે લાગતાં. બધા સાથે બેસી ચા-શરબત સાથે ચવાણું, મઠિયાં ને પછી ઘૂઘરા ખાઈને મોઢું મીઠું કરતાં. અને હવે? વર્ષના સૌથી મોટા અને સૌથી વધુ દિવસો ચાલતા તહેવારમાં બલ્કમાં ગુડ વિશિઝ મોકલી આપ્યા એટલે આપણું કામ તમામ! હવે કોઈના ઘેર જવું નથી કે કોઈને બોલાવવા નથી, ફક્ત મોબાઈલમાં સંવેદનાવિહીન શુભેચ્છાઓની આપ-લે કરવી છે.
આ ડિજિટલ ઉત્સવમાં શુભેચ્છાઓ એટલી હદે એક-બીજાના ઈનબોક્સમાંથી ત્રીજા-ચોથાના ચેટબોક્સમાં ફોરવર્ડ થઈ ચૂકી છે કે લાગણીઓ ચકાસવા માટે સ્પેશિયલ ફેક્ટ ચેકર રોકવા પડે એમ છે! કદાચ નવો સૉફ્ટવેર લાવવો પડશે જે કોઈએ મોકલેલા મેસેજ સ્કેન કરીને ચેતવે: સાવધાન! આ શુભેચ્છામાં લાગણીનું પ્રમાણ ૦.૦૦% છે અને આ મેસેજ અત્યાર સુધીમાં ૫૫૫૫ વખત ફરી-ફરીને તમારી પાસે પહોંચ્યો છે!
એટલે જો આ વર્ષે તમને પણ કોઈનો અડધો-પડધો કૉપી-પેસ્ટ થયેલો મેસેજ મળે તો લોહીઉકાળા કર્યા વિના નીચે હાથ જોડેલું એકાદ ઈમોજી ધરી દેવું. આ એઆઈ યુગમાં મશીન બની બેઠેલા માનવીને હેપ્પી દિવાળી અને સાલમુબારક કહેવાની આનાથી ઈકો-ફ્રેન્ડલી રીત બીજી કોઈ નથી! કારણ કે રૂબરૂ મળવા ન તો તમારે કોઈના ઘેર જવું છે, ન તો કોઈ તમારા ઘેર આવવાનું છે. માત્ર, મેસેજમાં જ શુભેચ્છાઓ પાઠવ્યા કરવી છે, ખરું ને?




