ખોદકામથી પરેશાન નાગરિકોને મળશે મોટી રાહત: યાજ્ઞિક રોડ, સોની બજાર, ઢેબર રોડ સહિતના મુખ્ય માર્ગોને ડામરથી મઢાશે
150 ફૂટ રિંગ રોડ-2 પર 8.79 કિમી લાંબા ફોરટ્રેક રોડનું કામ પૂરઝડપે: જુલાઈ 2027 સુધીમાં ટ્રાફિક સમસ્યા કાયમી માટે ઉકેલ આવશે
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોનમાં રસ્તાઓની સમસ્યા દૂર કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોનના 6 વોર્ડમાં રૂ. 45.76 કરોડના ખર્ચે નવા ડામર રોડ અને રિ-કાર્પેટની કામગીરી દિવાળી પછી શરૂ કરવામાં આવશે, જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટથી લાંબા સમયથી પાઇપલાઇન અને ડ્રેનેજના ખોદકામથી હાલાકી ભોગવી રહેલા શહેરીજનોને મોટી રાહત મળશે.મનપા દ્વારા વોર્ડ નં. 2, 3, 7, 13, 14 અને 17 માં માધાપર સહિતના રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને મુખ્ય રાજમાર્ગોનું નવીનીકરણ કરાશે. શહેરમાં પાણીની ડી.આઈ. પાઇપલાઇન અને ડ્રેનેજ માટે થયેલા ખોદકામના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા હતા અને ધૂળની ડમરીઓથી લોકો ત્રસ્ત હતા.નવા પ્રોજેક્ટ હેઠળ માધાપર, યાજ્ઞિક રોડ, દસ્તુર માર્ગ, સરદારનગર મેઈન રોડ, ટાગોર માર્ગ, રેસકોર્સ રિંગ રોડ, રૈયા રોડ, એરપોર્ટ રોડ, જામનગર રોડ, રેલવે જંક્શન સ્ટેશન રોડ, મોચી બજાર, લોહાણાપરા, પરાબજાર, દાણાપીઠ, ઢેબર રોડ, ગોંડલ રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ભૂપેન્દ્ર રોડ, સોની બજાર, પેલેસ રોડ, કેનાલ રોડ, 80 ફૂટ રોડ, જૂનો પારડી રોડ, અટીકા, કોઠારીયા રોડ અને હરિ ધવા માર્ગ સહિતના જૂના શહેરના મુખ્ય માર્ગો પર નવો ડામર પાથરવામાં આવશે.
બીજી તરફ, પશ્ચિમ રાજકોટના ટ્રાફિકને હળવો કરવા માટે 150 ફૂટ રિંગ રોડ-2 પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પથી કટારીયા ચોકડી સુધીનો 8.79 કિલોમીટર લાંબો ફોરટ્રેક રોડ ઝડપથી તૈયાર થઈ રહ્યો છે. ત્રણ પેકેજમાં ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં એક તરફના અંદાજે 4.5 કિલોમીટર માર્ગ પર ડીબીએમ (ડેન્સ બિટ્યુમિનસ મેકેડમ)નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે આ માર્ગની બંને બાજુ 10.5 મીટર પહોળા કેરેજ-વે અને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે. વાહનવ્યવહારને અડચણ ન થાય તે માટે તબક્કાવાર ડાયવર્ઝન આપી કામ આગળ વધારાઈ રહ્યું છે. સમગ્ર પ્રોજેક્ટ જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ રોડ શરૂ થવાથી ઘંટેશ્વર, મુંજકા, કણકોટ, મોટા મવા, રૈયા ગામ, કાલાવડ રોડ, વર્ધમાનનગર, વેજાગામ અને મવડી ગામ વિસ્તારના હજારો વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી કાયમી મુક્તિ મળશે.




