પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર, ધારાસભ્ય, પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનર, જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા
- Advertisement -
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે આજે રાજકોટ શહેરમાં પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત આ દોડ પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી અને રેસકોર્સ રિંગરોડ પરથી પસાર થઈને હેડ ક્વાર્ટર ખાતે વિરામ પામી હતી. આ ‘રન ફોર યુનિટી’માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ‘એકતા’નો સંદેશ આપ્યો હતો. આ અવસરે પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ વિવિધ રજવાડાઓ અને અલગ-અલગ પ્રાંતોને એક તાંતણે બાંધીને અખંડ ભારતના નિર્માણમાં અદ્ભુત યોગદાન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને લોહપુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી એ માત્ર રજાનો દિવસ અને માત્ર પુસ્તક પૂરતો સીમિત ન રહે અને લોકો તેની સાથે કાયમ જોડાયેલા રહે માટે વડાપ્રધાન મોદીએ એકતા દોડ, એકતા પરેડ સહિતની પહેલ શરૂ કરાવી છે. જેથી આવનારી પેઢી સરદાર સાહેબના યોગદાનને ક્યારેય ભૂલી ન શકે. આ તકે શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. બાદમાં મહાનુભાવોએ લીલી ઝંડી આપીને એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું.
- Advertisement -
આ દોડમાં પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર ડૉ. નેહલ શુક્લ, ધારાસભ્યો સર્વે ડૉ. દર્શિતાબહેન શાહ, ઉદય કાનગડ, ભાનુબેન બાબરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, અગ્રણી માધવ દવે, શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર જે. એચ. બારોટ, તમામ ડી.સી.પી. સહિત પોલીસ અધિકારીઓ, જવાનો, સરકારી કર્મચારીઓ, એન.સી.સી. કેડેટ્સ, ડી.એલ.એસ.એસ.ના સ્ટુડન્સ્, તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.




