ખોટી રીતે વેચાયેલી મંદિરની જમીનો પણ શ્રી સરકાર કરાશે
સરકારના પરામર્શ વિના ચેરિટી કમિશનર ટ્રસ્ટની જમીનોના વેચાણને મંજૂરી નહીં આપી શકે
મંદિરોની જમીનના વેચાણ પર રાજ્ય સરકારની લાલ આંખ
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે, મંદિરોની જમીનો મુદ્દે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર મંદિરોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેશે. જેમાં મંદિરોની જમીનનું વેચાણ નહીં થઈ શકે. માત્ર એટલું જ નહીં અગાઉ ખોટી રીતે વેચાયેલી જમીન પણ શ્રી સરકાર કરાશે. ટૂંક સમયમાં જ તમામ કલેક્ટરોને આ દિશામાં કાર્યવાહી કરવા સૂચના અપાશે. આ મામલે મંદિરોની જમીનનું વેચાણ અને એન.એ.(બિન ખેતી) કરવામાં આવી હોય તે વિગતો સરકારે કલેકટરો પાસે માંગી છે.
રાજ્યભરમાં સાર્વજનિક ટ્રસ્ટો પાસે કરોડો રૂપિયાની જમીનો સહિત સ્થાવર મિલકતો છે પણ સાર્વજનિક ટ્રસ્ટો દ્વારા સમાંયતરે ચેરિટી કમિશનર પાસે ખાનગી જમીનો વેચાણ માટેની મંજૂરીઓ માગવામાં આવે છે. પરંતુ હવે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ચેરિટી કમિશનર મંજૂરી આપે તે પહેલાં કલેકટર કે રેવન્યૂ અધિકારીનો અભિપ્રાય મેળવે તેવી વ્યવસ્થા ઉભી કરવા પટેલ સરકારમાં વિચારણા ચાલી રહી છે. જેમાં રાજ્ય સરકારના પરામર્શ વિના ચેરિટી કમિશનર ટ્રસ્ટોની જમીનોના વેચાણને મંજૂરી આપી શકશે નહીં.
- Advertisement -



