વીજ કર્મીઓએ બિપોરજોય દરમિયાન 72 કલાકના રેકોર્ડ બ્રેક સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી કર્તવ્ય પરાયણતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું: ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અડાલજ ત્રિમંદિર ખાતે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ઋણ સ્વીકાર અને અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સમારોહને સંબોધિત કરતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વીજકર્મીઓ પ્રત્યે સહાનુભૂતિ અને હકારાત્મક અભિગમ દાખવીને વીજકર્મીઓના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે, પરંતું એ રાજ્ય સરકારની તેના કર્મયોગી પ્રત્યેની જવાબદારી છે, ઋણ નહીં.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્ર્વાસનો મંત્ર આપ્યો છે, જેને અનુસરીને જ ગુજરાતે સૌને સાથે લઈને ચાલવાની આ કાર્યપદ્ધતિ અપનાવી છે.વીજ વિતરણ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓને જનજીવનમાં ઉજાસ પાથરનારા મશાલચી ગણાવતા મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે, રાજ્યના વીજકર્મીઓ ટાઢ-તાપ, વરસાદ કે વાવાઝોડા કોઈપણ કપરાં સમયે વીજ પુરવઠો જળવાઈ રહે તેનું સેવા દાયિત્વ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવે છે અને દિવસ રાત ખડે પગે રહે છે. વીજકર્મીઓના જીવના જોખમે આપણા સૌના ઘર રોશન થાય છે.
- Advertisement -
ત્યારે તેમની સેફ્ટી અને કામના સમયે યોગ્ય પ્રિકોશન લેવા એ ખૂબ જ જરૂરી છે.આ પ્રસંગે સૌનું ઉત્સાહ વર્ધન કરતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજય સરકારે વીજકર્મીઓના હિતમાં લીધેલા નિર્ણયો એ કોઈ ઋણ નહીં પરંતુ રાજ્ય સરકાર અને ઊર્જા વિભાગની ફરજ છે. ઊર્જા વિભાગ હેઠળની વિવિધ કંપનીઓના કર્મચારીઓ એ ઊર્જા વિભાગનો જ એક પરિવાર છે. તાજેતરમાં જ આવેલા બિપરજોય વાવાઝોડામાં વીજકર્મીઓએ કરેલી કામગીરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
રાજ્ય ઉપર બિપરજોય વાવાઝોડું ત્રાટકતાં હજારો ગામોનો વીજ પુરવઠો ખોરવાયો અને 70 હજારથી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા, પરંતુ આપણા વીજકર્મીઓએ દિવસ-રાત જોયા વિના માત્ર 72 કલાકના રેકોર્ડબ્રેક સમયમાં વીજપુરવઠો પુન:સ્થાપિત કર્યો હતો. જેના માટે દરેક વીજકર્મી અભિનંદનને પાત્ર છે. આ પ્રસંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સિનિયર કાર્યકારી પ્રમુખ વાસણભાઇ આહિર, કાર્યકારી પ્રમુખ મનુભાઈ પટેલ, ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ ભરતભાઈ પંડ્યા, સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ, સેક્રેટરી જનરલ બિપીનભાઈ શાહ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા.