શનિવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે
ધૂળેટીના તહેવારો પૂર્વે હીટ વેવનો એક રાઉન્ડ આવી ગયો છે. છેલ્લા એકાદ સપ્તાહથી હીટ વેવ સમાપ્ત થઈ ગયાની સત્તાવાર ઘોષણા હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. પરંતુ હવે હીટ વેવનો વધુ એક રાઉન્ડ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે કચ્છ અને ભાવનગર જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળશે. શનિવારે કચ્છ અને ભાવનગર ઉપરાંત સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર, સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ગરમીનું મોજુ અનુભવાશે ત્યારે રવિવારે કચ્છ સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ અમરેલી બોટાદ પોરબંદર જુનાગઢ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં ગરમીનો પ્રકોપ અનુભવાશે.

- Advertisement -
આજે સત્તાવાર રીતે હીટ વેવ ન હોવા છતાં સવારથી ગરમીનું જોર વધુ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી દેખાતા ભેજવાળા વાદળને કારણે સવારે ગરમીમાં રાહત મળતી હતી પરંતુ આજથી ભેજનું પ્રમાણ પણ એકાએક ઘટી ગયું છે અને સવારથી ગરમીનો અહેસાસ થાય છે. કંડલા સહિત કચ્છના અનેક વિસ્તારોમાં આજે 40 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે અને આવતીકાલથી જ્યારે હીટ વેવ કન્ડિશન સર્જાશે ત્યારે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી આસપાસ પહોંચી જશે.
સામાન્ય રીતે માર્ચ માસમાં ગરમીની શરૂઆત થતી હોય છે અને એપ્રિલના અંતિમ સપ્તાહમાં અથવા તો મે માસમાં હીટ વેવ સર્જાતા હોય છે. પરંતુ આ વખતે સીઝનના પ્રારંભ સાથે જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. એપ્રિલ-મેમાં શું થશે તે વિચારતા જ લોકોને પરસેવો છૂટી રહ્યો છે.
આ પણ વાંચો: રાજકોટ સહિત ગુજરાતમાં શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા
https://khaskhabarrajkot.com/2022/03/23/gujarat-including-rajkot-is-likely-to-reach-40-degrees-again-from-saturday/


