ઓક્ટોબર-2022માં લોકાર્પણ કરવા મહાપાલિકાની તૈયારી
પ્રોજેકટની ડેડલાઇન જાન્યુ-2023 પરંતુ ત્રણ મહિના વહેલો ખુલ્લો મુકાશે
રાજકોટ મહાપાલિકાના પશ્ચિમ ઝોન હેઠળના વોર્ડ નં.10માં ગૌરવપથ કાલાવડ રોડ પરના એ.જી.ચોક નજીક જડૂસ રેસ્ટોરન્ટ પાસે નિર્માણાધિન ફ્લાય ઓવર બ્રિજ પ્રોજેકટની ધીમી કામગીરી બદલ તાજેતરમાં એજન્સીને વધુ એક નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
એજી ચોક ઓવરબ્રિજ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર તા.20-1-2021ના રોજ આપવામાં આવ્યો હતો અને ટેન્ડરની સમયમર્યાદા મુજબ પ્રોજેકટ પૂર્ણ કરવાની ડેડલાઇન 20-1-2023 છે પરંતુ મહાપાલિકા તંત્ર આ પ્રોજેકટનું ઓક્ટોબર-2022 સુધીમાં લોકાર્પણ કરવા ઈચ્છી રહ્યું છે અને તે માટે જ અધિકારીઓ અને પદાધિકારીઓ આ બ્રિજ સાઇટની અવારનવાર વિઝીટ કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે લોકાર્પણ થઈ જાય તેવી ગણતરી રાજકીય વર્તુળોની છે.
- Advertisement -
બીજી બાજુ ઇજનેરી સુત્રોના મતે અન્ય બ્રિજ કરતા આ બ્રિજનું નિર્માણ કાર્ય થોડું ટેકનિકલી ટફ છે. દરમિયાન તાજેતરમાં યોજાયેલી મંથલી પ્રોગ્રેસ મિટિંગના અંતે આ બ્રિજ પ્રોજેકટની કામગીરી ધીમી જણાતા એજન્સીને વધુ એક નોટિસ ફટકારવામાં આવી હતી, મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ આ એજન્સીને બે નોટિસ અપાઇ ચુકી છે. મ્યુનિસિપલ કમિશનરે બ્રિજ નિર્માણ કરતી એજન્સીના મેનેજીંગ ડિરેકટર સાથે બેઠક યોજીને કામગીરી ઝડપી બનાવવા તાકીદ કરી હતી. જ્યારે મ્યુનિ.ઇજનેરી સ્તરેથી કામની ઝડપ વધારવા માટે મજુરો વધારવા તેમજ ડે નાઇટ ડબલ શિફ્ટમાં કામગીરી કરવા પણ એજન્સીને સૂચના કરવામાં આવી છે.કાલાવડ રોડની ગંભીર ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે નિર્માણ કરવામાં આવી રહેલા એજી ચોક બ્રિજના નિર્માણકાર્યને લઇ મુકાયેલા ડાઇવર્ઝનથી હાલ તો આજુબાજુની સોસાયટીઓના રહીશો તેમજ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


