મતદાન અગાઉ ધોમધખતો તાપ !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં મતદાન આડે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાજયમાં ઠેર ઠેર આગ ઝરતી લું સાથે ધોમધખતો તાપ સુર્યદેવતા વરસાવી રહ્યા હોય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને બપોરના સમયે રાજમાર્ગો અને બજારો સુમસામ થઇ જાય છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ફરી એકવાર 42.7 ડિગ્રી સાથે રાજકોટ રાજયનું હોટેસ્ટ સીટી રહેવા પામ્યુ હતું. આ ઉપરાંત અમરેલીમાં 42.5, અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 40, વડોદરામાં 39.8, ભાવનગરમાં 37.6, ભુજમાં 41.2, ડિસામાં 39.2, સુરતમાં 39.8 તથા દિવમાં 35, દમણમાં 35.2, કંડલામાં 36.9 અને વેરાવળ ખાતે 31.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં ગરમીનો પારો બે ડિગ્રી ઊંચકાઈ ને 37 ડિગ્રી પહોંચી ગયો હતો.જેના લીધે લોકોએ ઉનાળાની ગરમીનો અનુભવો કર્યો હતો.જ્યારે લઘુતમ તાપમાનનો પારો સતત ચોથા દિવસે 24.5 ડિગ્રી આસપાસ નોંધાયું છે.તો પવનની ગતિ પ્રતિકલાક બે કિમી વધીને 9.6 કિમી રહી છે.અને શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું છે. દરમ્યાન હવામાન વિભાગ અનુસાર, આજે 24 એપ્રિલથી રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારો માટે ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે નાગરિકોએ ભારે અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે.
ગઇકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર, આજથી એટલે કે 24 એપ્રિલ 2026થી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે ગરમીના આ પ્રકોપ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે ખાસ કરીને 24 અને 25 એપ્રિલ, 2026 ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ચેતવણી આપી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે લોકોએ ભારે અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે.
હાલમાં મધ્ય ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેની સાથે જ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત, દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ગુજરાત પરથી એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. જેની અસર હવામાન પર જોવા મળી રહી છે.



