ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે કેસર કેરીના 20 હજાર જેટલા બોક્સ આવ્યા હતા. આવક વધતા ભાવ થોડા ઘટ્યા હતા. આજે 400થી 800 રૂપિયા લેખે હરાજી થઈ હતી. કેરીની આવક વધતા જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં છુટક કેરી વેંચનારાઓની કતાર લાગે છે. ઉનાળાનું અમૃત ફળ ગણાતી કેસર કેરીની સિઝન ચાલી રહી છે. વરસાદ અને પવનના કારણે કેરીનો પાક ખરી ગયો ત્યારે આવક ઓછી થઈ હતી. છેલ્લા દસેક દિવસથી નિયમિત આવક થઈ ગઈ છે. આજે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 20 હજારથી વધુ બોક્સ આવ્યા હતા. જેની 400થી 800 રૂપિયા લેખે હરાજી થઈ હતી. ગઇકાલે આટલી જ આવક થઈ હતી. તેના 500થી 1000 ભાવ રહ્યા હતા. આમ, આવક વધતા કેસર કેરીના ભાવ ઘટ્યા છે. માર્કેટ યાર્ડમાં આવે છે એ ઉપરાંત સીધી બગીચામાંથી પણ કેરી લઈ અનેક લોકો રોડ પર વેંચાણ કરી રહ્યા છે. શહેરના દોલતપરા, ઝાંઝરડા રોડ, જોશીપરા, મોતીબાગથી મધુરમ રોડ પર કેરી વેંચનારાઓનો કતાર લાગે છે. આગામી દિવસોમાં ફરી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બગીચા ધરાવતા ખેડૂતો અને ઇજારદારોમા ચિંતા વ્યાપી છે.