વિજયભાઈ રૂપાણી સરસ્વતી શિશુમંદિરના ભૂતપૂર્વ વાલી અને મણીઆર પરિવારના નિકટના સ્વજન રહ્યા : અપૂર્વભાઈ મણીઆર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. વિજયભાઈ રૂપાણીનું અવસાન થતાં રાજકોટના મારૂતિનગર, રણછોડનગર તેમજ નવા થોરાળામાં આવેલ સરસ્વતી શિશુમંદિર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, ટ્રસ્ટી અનિલભાઈ કિંગર, ખંતિલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, પલ્લવીબેન દોશી, રક્ષિતભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રધાનાચાર્યો, આચાર્યો દ્વારા વિજયભાઈ રૂપાણી તેમજ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, શિશુમંદિરના વાલી, મણીઆર પરિવારના આત્મીય સ્વજન, સંઘના સ્વયસેવક, એબીવીપીના કાર્યકર એમ વિજયભાઈ રૂપાણી સાથે અનેક સંસ્મરણ જોડાયેલા છે. રાજકોટથી લઈ સમગ્ર રાષ્ટ્ર માટે તેમણે કરેલી સેવા અને સમર્પણ હંમેશા યાદ રહેશે. વિજયભાઈ અને અંજલિબેનના બંને સંતાન ઋષભ અને રાધિકા સરસ્વતી શિશુમંદિરમાં ભણ્યા છે, રૂપાણી પરિવાર માટે પ્રવીણકાકા આદર્શ માર્ગદર્શક હતા. તેઓના ઘડતરમાં કાકાનો અમૂલ્ય ફાળો રહ્યો. પ્રવીણકાકાનું અવસાન થયા બાદ વિજયભાઈ મણીઆર પરિવારના મોભીની ભૂમિકા ભજવી માર્ગદર્શન આપતા રહ્યા. વિજયભાઈની અણધારી વિદાયથી મણીઆર પરિવાર અને રૂપાણી પરિવાર એક મોભી ગુમાવ્યાની લાગણી અનુભવી રહ્યું છે. સરસ્વતી શિશુમંદિરના નાના-મોટા પ્રસંગો હોય કે મણીઆર પરિવારની કોઈ સુખ-દુ:ખની ઘટના હોય ત્યારે વિજયભાઈ અને તેમના પરિવારની વિશેષ હાજરી રહેતી હતી. સરસ્વતી શિશુમંદિરના ટ્રસ્ટઓથી લઈ વાલીઓ સાથે તેમનો ખાસ ઘરોબો હતો. હવે જ્યારે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે તેમના રાષ્ટ્રહિતના વિચારો આપણને પ્રેરણા પૂરી પાડતા રહેશે તેવું જણાવી સરસ્વતી શિશુમંદિરના રાજકોટ સ્થિત ત્રણેય સંકુલો એક દિવસની રજા પાળી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી માટે શોકાંજલિ અદા કરશે એવું ચેરમેન અપૂર્વભાઈ મણીઆર સહિત સર્વે ટ્રસ્ટીગણે જણાવ્યું હતું.