સ્વામિનારાયણ મંદિર અને બાલાજી હનુમાનજી મંદિરે વિમાન દુર્ઘટનાના તમામ દિવંગતોને શ્રધાંજલિ અપાઈ
રાજકોટના સ્વામિનારાયણ મુખ્ય મંદિરે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તમામ મૃતકોને શ્રધાંજલિ અપાઈ હતી, આજે શનિવારે બાલાજી મંદિરે સાંજે પ્રાર્થના સભા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે અને સ્વામિનારાયણ મુખ્ય મંદિરે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોના આત્માને શાંતિ માટે મૌન પાળી પ્રાર્થના કરાઈ હતી તેમજ મંદિરના શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે માણસનું મૃત્યું અનિવાર્ય છે, તેનો વિશ્વના કોઈ પણ ધર્મગુરુએ ઇન્કાર નથી કર્યો પરંતુ આ દુર્ઘટના બની એ ખૂબ જ આપણાં માટે દુ:ખદ સમાચાર છે. આપણે માણસ છીએ એટલે સ્વાભાવિક રીતે આપણને અસામાન્ય દુ:ખ થાય છે કારણ કે પશુમાં પણ સંવેદના હોય તો આપણે તો માણસ છીએ એટલે વેદના અને સંવેદનાનો અનુભવ થાય એ સ્વાભાવિક છે. પણ આ એક એવી ભયંકર દુર્ઘટના બની છે કે જેમાં આપણે તેઓની સુરક્ષા માટેની કોઈ જ મદદ ન કરી શકીએ અને જે કરીએ તે પણ દરેક રીતે અપૂર્ણ જ રહેવાની છે. માણસની પહોંચની બહાર પણ કંઈ અને કોઈ છે એ વાત સમજણ સાથે સ્વીકારી લેવી અનિવાર્ય છે. જ્ઞાન અને વિજ્ઞાન ગમે તેટલું આપણી પાસે હોય પણ અંતે માનવી લાચાર હોય છે.
આ જગત અને તેના તમામ સજીવ કે નિર્જીવ પદાર્થ માત્ર જે ભોગવંત, રૂપવંત, ગુણવંત હોય પણ અંતે તો તે નાશવંત જ છે. ગુજરાતના સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી અને અન્ય પ્રવાસીના મૃત્યુથી આપણે સૌ કોઈ આ ઘટનાથી દુ:ખી છીએ એટલે બીજું તો ના કરી શકીએ પણ તે મૃત લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના જરૂર કરી શકીએ. આ દુખદ ઘટનાને સાંભળીને આપણે સૌ કોઇને એક આંચકો અને આઘાત લાગ્યો છે. સૌ કોઇ પરમકૃપાળુ પરમાત્મા મૃતકોના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી રહ્યાં છે ત્યારે આજે આપણે પણ સૌ એ દિવંગત આત્માને શ્રધ્ધાંજલિ આપવા માટે પ્રભુને પ્રાર્થના કરીએ અને શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ તેમ દુ:ખ સાથે સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી તથા બાલાજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું હતું. તથા તમામ જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ માટે આજે શનિવારે બાલાજી હનુમાનજી મંદિરે સાંજે 6 થી 7 પ્રાર્થના સભા રાખી છે.