ગાયત્રી જયંતિ દર વર્ષે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે વેદોની માતા તરીકે ઓળખાતા દેવી ગાયત્રીની પૂજા વિધિઓ સાથે કરવામાં આવે છે. આ વખતે ગાયત્રી જયંતિ 6 જૂને એટલે કે આજે છે. એવી માન્યતા છે કે જે કોઈ ગાયત્રી મંત્ર દ્વારા દેવી ગાયત્રીને પ્રસન્ન કરે તો તેની દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ ગાયત્રી જયંતીના શુભ અવસર પર અમે તમને દેવી ગાયત્રીના અવતાર અને તેમના મહિમાની કથા વિશે જણાવીશું.
ગાયત્રી દેવીના અવતરણની કથા
હિન્દુ શાસ્ત્ર મુજબ, ગાયત્રી મંત્રની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માના મનમાં થઈ હતી. ગાયત્રી મંત્રના પ્રભાવથી ભગવાન બ્રહ્માએ પોતાના ચાર મુખમાંથી ચાર વેદ પ્રગટ કર્યા. એક વખત બ્રહ્માએ યજ્ઞમાં ભાગ લીધો હતો, પરંતુ તે વખતે કોઈ કારણોસર તેમની અર્ધાંગિની માતા સાવિત્રી તેમની સાથે ન હતા. કોઈપણ ધાર્મિક કાર્યમાં પત્નીની હાજરી ફરજિયાત છે, નહીં તો કાર્ય સફળ થતું નથી. આવી સ્થિતિમાં બ્રહ્માની દ્વિધા દૂર કરવા માટે દેવી ગાયત્રીએ અવતાર લીધો. બ્રહ્માજીએ તેમની સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ યજ્ઞ પૂર્ણ થયો. એટલા માટે દેવી ગાયત્રીને ભગવાન બ્રહ્માની બીજી પત્ની પણ માનવામાં આવે છે.
- Advertisement -
ગાયત્રી દેવીનો મહિમા
દેવી ગાયત્રીને ચાર વેદ, શાસ્ત્ર અને શ્રુતિઓની જનની માનવામાં આવે છે. ત્રિદેવો દ્વારા દેવી ગાયત્રીની પૂજા કરવામાં આવે છે અને દરેક દેવી-દેવતાઓ તેમની સામે શીશ ઝુકાવે છે. વેદોની જનની હોવાને કારણે તેમને વેદ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે માતા ગંગાની જેમ, દેવી ગાયત્રી પણ પહેલા માત્ર દેવતાઓ સુધી સીમિત હતી. પરંતુ પાછળથી ઋષિ વિશ્વામિત્રએ કઠોર તપસ્યા કરી અને ગાયત્રી માતા અને ગાયત્રી મંત્રને સામાન્ય લોકો માટે પણ સુલભ બનાવ્યા. આજે પણ અનેક લોકો ગાયત્રી મંત્રનો જાપ કરે છે.
અથર્વવેદમાં દેવી ગાયત્રીનું વર્ણન જીવન, આયુષ્ય, કીર્તિ, શક્તિ અને સંપત્તિ પ્રદાન કરનારી દેવી તરીકે કરવામાં આવ્યું છે. દેવી ગાયત્રીને બ્રહ્મતેજ આપનારી પણ માનવામાં આવે છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્ર સિદ્ધ કરી લે તેના માટે દુનિયાનું કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી બનતું. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માત્ર પાપોથી જ મુક્તિ નથી મળતી પણ ભક્તનો આધ્યાત્મિક વિકાસ પણ થાય છે.
ગાયત્રી મંત્રનો જાપ
ઓમ ભૂર્ભુવ સ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત્ય.
- Advertisement -
ગાયત્રી મંત્રના ફાયદા
તમે દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્રનો જાપ કરવાથી તમને માનસિક શક્તિ મળે છે. આ મંત્રનો જાપ સકારાત્મક ઉર્જા અને બીમારીમાથી મુક્તિ માટે પણ કરવામાં આવે છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને ધન અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. તો જે વ્યક્તિ નિરંતર ગાયત્રી મંત્રનો જાપ કરે છે તેને અંત સમયમાં મોક્ષ પ્રાપ્ત થાય છે.