દોઢ દાયકાની સલામત સવારીનો કરુણ અંતઃ બોઇંગ શું છુપાવે છે?
એર ઇન્ડિયા પાસે આ જ મોડલનાં 26 વિમાન
- Advertisement -
બોઇંગ કંપનીના એન્જિનિયર સેમ સાલેહપોરે કંપની દ્વારા તેના 777 અને 787 ડ્રીમલાઇનર જેટના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા શોર્ટકટ્સ વિશે આખી દુનિયાને ચેતવી હતી. જાન્યુઆરી 2024 માં FAAમાં ફરિયાદ નોંધાવતાં સાલેહપોરે આરોપ લગાવ્યો હતો કે બોઇંગ ફ્યુઝલાજ (પેસેન્જરોને બેસવાનો મુખ્ય નળાકાર ભાગ)ના અલગ અલગ ભાગોને જોડતી વખતે અસંખ્ય નાની નાની જગ્યાઓને જોડવામાં નિષ્ફળ રહી હતી. તેણે પોતાની જાતે કર્મચારીઓને કૂદકા મારીને પાર્ટ્સને જોડતા જોયા હતા! એણે એવો પણ આરોપ મૂક્યો કે બોઇંગ પોતાના એન્જિનિયરોને એવાં કામ કરવા માટે પણ ફરજ પાડતું આવ્યું છે જેના પર હજુ સુધી ટેસ્ટિંગ થયું જ નથી. આ બધાના કારણે પ્લેનનું આયુષ્ય 25-30 વર્ષ કહેવામાં આવે છે, તેના કરતાં ક્યાંય ઓછું થઇ જાય છે. FAA હાલમાં આ આરોપોની તપાસ કરી રહ્યું છે. અગાઉ આવી જ ફરિયાદોને પગલે FAA અને બોઇંગ બંનેએ પોતાનાં ડ્રીમલાઇનર વિમાનોની ડિલિવરી અટકાવી હતી.
26 ઑક્ટોબર, 2011ના રોજ જાપાનની મુખ્ય એરલાઇન ‘ઑલ નિપ્પોન એરવેઝ’નું એક વિમાન રાજધાની ટોક્યોના નારિતા એરપોર્ટથી હોંગકોંગ જવા ઊપડ્યું. વિમાનના પાછળના ભાગે સ્પેશિયલ બ્લૂ કલર કરવામાં આવ્યો હતો, જે ‘મેકેરેલ’ પ્રકારની માછલીનું પ્રતિનિધિત્વ કરતો હતો. આ દરિયાઇ માછલીઓ વિશાળ ગ્રુપમાં રહીને લાંબા અંતર સુધી તરી શકે છે. આ વિમાન માટે એ પર્ફેક્ટ હતું, કારણ કે સ્પેશિયલી લાંબા અંતર માટે લાવવામાં આવેલાં આ નવાં વિમાન આખી દુનિયાની લોંગ ડિસ્ટન્સ હવાઇ મુસાફરીઓને બદલી નાખવાનાં હતાં.
રંગેચંગે આ વિમાનને વિદાય અપાઇ. થોડી મિનિટોમાં આ વિમાન 38 હજાર ફીટની ઊંચાઇએ ઊડી રહ્યું હતું. વિમાનમાં સવાર 240 મુસાફરને ફ્રીમાં સ્પેશિયલ જેપનીસ આતિથ્યનો આનંદ માણવા મળ્યો. તેમાંના મોટા ભાગના આમંત્રિત અતિથિઓ, મીડિયા પર્સન્સ, જાપાન એરલાઇન્સના અધિકારીઓ અને અમુક લોયલ્ટી મેમ્બર્સ હતા. વિમાનની છ બિઝનેસ ક્લાસની સીટોની હરાજી કરવામાં આવી હતી, જેમાંના એક પેસેન્જરે તો અધધધ 34 હજાર ડૉલર (આજના ભાવે 29 લાખ રૂપિયા) ચૂકવીને સીટ મેળવી હતી! એક્ઝેક્ટ 4 કલાક ને 8 મિનિટનું નોન-સ્ટોપ અંતર કાપીને આ વિમાન હોંગકોંગ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે એના સ્વાગત માટે તેને વૉટર કેનન સેલ્યૂટ આપવામાં આવી.
12 જૂન, ગુરુવારના કાળમુખા દિવસે અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે વિમાન તૂટી પડ્યું અને 290 જેટલી નિર્દોષ જિંદગી એમાં હોમાઇ ગઇ એ આ જ સિરીઝનું વિમાન હતું, ‘બોઇંગ 787-8 ડ્રીમલાઇનર’. છેલ્લાં ચૌદ વર્ષથી આખી દુનિયામાં 45 એરલાઇન કંપનીઓ આ સિરીઝનાં પ્લેન ઉડાડી રહી છે. અમદાવાદમાં થયેલા ક્રેશ પછી આપણને ગમે તેટલો ગુસ્સો ચડે, પરંતુ આંકડાકીય હકીકત એ છે કે બોઇંગ 787 ડ્રીમલાઇનર શ્રેણીનાં વિમાનો સૌથી સલામત છે. અમદાવાદમાં થયેલો અકસ્માત એનો સૌપ્રથમ જીવલેણ ક્રેશ હતો. એ પછીયે ‘બોઇંગ 787-8 ડ્રીમલાઇનર’ મોડલનાં 397 વિમાન અત્યારે હવામાં ઊડી રહ્યાં છે. એ પૈકી એર ઇન્ડિયા પાસે આ જ મોડલનાં 26 વિમાન છે.
- Advertisement -
• ‘787 ડ્રીમલાઇનર’ સિરીઝનાં ત્રણ મોડલ
બોઇંગ કંપનીએ આ ‘787 ડ્રીમલાઇનર’ સિરીઝનાં ત્રણ મોડલ બનાવ્યાં છે, 787-8, 787-9 અને 787-10. યાને કે 787-8 મોડલનું આ વિમાન એનું સૌથી જૂનું અને 186 ફીટ લંબાઇ સાથે સૌથી નાનું વિમાન છે (બાકીનાં બંને મોડલ 787-9 અને 787-10ની લંબાઇ અનુક્રમે 206 અને 224 ફીટ છે). બોઇંગ કંપનીના એક સૈકા કરતાં પણ વધુના ઇતિહાસમાં આ ડ્રીમલાઇનર સિરીઝનાં વિમાન એનાં સૌથી સફળ વિમાન છે.
• એક વિમાનનું આયુષ્ય કેટલું ?
અમદાવાદની દુર્ઘટના પછી એક સવાલ પુછાતો થયો છે કે ક્રેશ થયેલું વિમાન 11 વર્ષ જૂનું હતું અને આવું જૂનું વિમાન વાપરવું કેટલે અંશે યોગ્ય? પરંતુ ઑફિશિયલ ડેટા દર્શાવે છે કે બોઇંગ 787 ડ્રીમલાઇનર સિરીઝનાં વિમાનનું આયુષ્ય 25થી 30 વર્ષ જેટલું હોય છે. ટિપિકલ કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવે તો આ વિમાન 44 હજાર ફ્લાઇટ સાઇકલ્સ અથવા 13 લાખ કલાક સુધી આસાનીથી હવામાં ઊડી શકે છે. એ રીતે જોવા જઇએ તો અમદાવાદમાં ક્રેશ થયેલું હતભાગી વિમાન એની ‘યુવાની’માં હતું. અલબત્ત, આમાં શરત એ છે કે વિમાનનું વખતોવખત મેઇન્ટનન્સ થતું રહેવું જોઇએ અને બગડેલા પાર્ટ્સને સત્વર બદલી નાખવા જોઇએ, નહીંતર વિમાનનું આયુષ્ય ઘટે અને પરિણામ જીવલેણ આવી શકે. બોઇંગ કંપની તો છાતી ફુલાવીને ગર્વભેર કહે છે કે પાછલાં ચૌદ વર્ષમાં (યાને કે જ્યારથી આ પ્લેન લૉન્ચ થયાં ત્યારથી) એણે સફળતાપૂર્વક 1 અબજથી વધુ મુસાફરોને સહીસલામત તેમનાં ગંતવ્યસ્થાને પહોંચાડ્યાં છે.
• 787 ડ્રીમલાઇનર સામે ફરિયાદો
આપણાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પાછાં લાવવાનું હતું એ બોઇંગ કંપનીનું ‘સ્ટારલાઇનર’ યાન ખોટકાયું અને સુનિતા વિલિયમ્સનો ISS (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન)માં અઠવાડિયાનું રોકાણ એક વર્ષ જેટલું લંબાઇ ગયું. 2019થી 2020ની વચ્ચે તેના ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2018 અને 2019ના પાંચ મહિનાની અંદર જ અનુક્રમે ઇન્ડોનેશિયા અને ઇથોપિયાની એરલાઇન્સનાં બે 737 મેક્સ વિમાનોનાં ભીષણ એક્સિડન્ટમાં કુલ 346 લોકોનાં મોત થયાં. આશા રાખીએ કે અમદાવાદમાં થયેલા ભયાવહ ક્રેશ પછી બોઇંગ, એર ઇન્ડિયા, ભારત સરકાર અને ઇન્ટરનેશનલ એજન્સીઓ નિષ્પક્ષ તપાસ કરે અને હવાઇ યાત્રાને ફરીથી મુસાફરીનું સંપૂર્ણપણે સુરક્ષિત માધ્યમ બનાવે.