જમીન ખાલસા કરવાનો અભિપ્રાય કલેકટરની ચેમ્બરમાં કેદ!
આર્કિટેક પત્નીના નામે આખું જમીન કૌભાંડ કર્યું અને ઉદ્યોગપતિઓને અર્પણ કરી દીધું!
- Advertisement -
આર્કિટેક પત્ની અને નંદુએ ખાતેદારના બોગસ આધારો રજૂ કરી જમીન ખાતે ચડાવી લીધી!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહેસૂલ વિભાગમાં બેરોકટોક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થાય છે એટલે ભૂમાફિયાઓ બે-લગામ બની રહ્યા છે અને ભ્રષ્ટ અધિકારીઓ તગડા બની રહ્યા છે. રાજકોટના મહેસૂલી અધિકારીઓએ ખુલ્લી ગેરરીતિઓ આચરી હોવાનું મુંજકાનું એક જમીન પ્રકરણ બહાર આવી રહ્યું છે અને ખુલ્લેઆમ મહેસૂલી કાયદાની ધજિયા ઊડી રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓ માત્ર ત્રાંસી નજરે જોઈ રહ્યા છે. કલેક્ટર અને રેવન્યુ સેક્રેટરી સુધી લેખિત રજૂઆતો છતાં કોઈ જવાબ જ આપવામાં આવતો નથી.
- Advertisement -
આ પ્રકરણની પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરમાં અત્યારે ભળી ગયેલા ગામની અંદાજે ચાર એકર અને દોઢ એકર જેટલી ખેતીની જમીન મૂળ પરિવારના સંયુક્ત ખાતે આવેલી હતી. આ જમીન એકદમ કીમતી હોય પ્રાઇમ લોકેશનમાં આવેલી હોય શહેરના અનેક ભૂમાફિયાઓ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ તેની ઉપર નજર રાખીને બેઠા હતા. એમાં 2000ની સાલમાં આ જમીન અને તેના માલિકો ઉપર રાજકોટના ભેજાબાજ આર્કિટેકની નજર બગડી. તેમણે પરિવારના સભ્યોના કથિત પાવરનામા બનાવી લીધા અને પાવરના આધારે પોતાના મળતિયા રાજકોટના નામે વેચાણ દસ્તાવેજ કરી નાખ્યા. પાંચ મહિના બાદ બંને જમીન ખરીદનારાઓ અધિકૃત ખાતેદારો હોવાના શંકાસ્પદ આધારો રજૂ કરી રેવન્યુ રેકર્ડમાં તલાટી અને મામલતદાર પાસે નોંધ પણ પ્રમાણિત કરાવી લીધી.
એક વર્ષ બાદ આ બંને ખરીદનારાઓ પૈકી અડધી જમીનના ભાગીદારે પોતાનો હિસ્સો બક્ષિસ દસ્તાવેજથી પાવરદાર આર્કિટેકટના પત્નીને આપી દીધો. તેણે ખેડૂત ખાતેદાર હોવાના અધિકૃત આધારો અને ભાગીદારની સંમતી સાથે રેવન્યુ રેકર્ડમાં નોંધ પાડી મામલતદાર પાસે પ્રમાણિત પણ કરાવી લીધી. હવે આ જમીનમાં નંદુ અને તેઓ સરખા હિસ્સાના માલિક બની ગયા.
જમીનમાલિક બનેલા આર્કિટેક્ટ પત્ની પોતે સાયલાના કાનપુર ગામે ખેડૂત ખાતેદાર હોવાના શંકાસ્પદ આધારો રજૂ કર્યા હતા તેમજ સાયલા મામલતદારનું નંબર સાથેનું સર્ટિફિકેટ પણ રજૂ કરેલ હોવાનું દર્શવાયું છે. માલિક બન્યા બાદ 2002માં આ જમીનને બિનખેતી કરવાની કાર્યવાહી આર્કિટેક્ટએ કરી અને કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વિના રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રહેણાકના હેતુ માટે બિનખેતીની મંજૂરી પણ આપી દેવામાં આવી. જે અંગેની નોંધ પણ પાંચ વર્ષ બાદ રેવન્યુ રેકર્ડમાં પ્રમાણિત કરાવી લેવામાં આવી.
ત્યારબાદ 2007માં અડધા હિસ્સાના ભાગીદાર નંદુએ પોતાના હિસ્સાનો અડધો હિસ્સો એક વ્યક્તિને અને અડધો હિસ્સો જેતપુરના શખ્સને દસ્તાવેજથી વેંચી નાખ્યો. એટલે બીનાખાતેદાર રાજુ આ જમીનમાંથી નીકળી ગયો. આમ આ સમગ્ર જમીનમાં અડધા હિસ્સાનો એક અને અડધા હિસ્સામાં બે મળી કૂલ ત્રણ માલિકો બન્યા. જમીન બિનખેતી થઈ ગઈ હોય હવે નવા આવનાર માલિકોએ ખાતેદારના પ્રમાણો રજૂ કરવાનો સવાલ ન હોય તેની નોંધો પણ પ્રમાણિત કરવામાં આવી.
આ સમય દરમ્યાન જ સંયુક્ત જમીનમાલિક રમેશ (નામ બદલાવેલું છે) પોતાના 25% હિસ્સામાંથી 33% હિસ્સો એક શખ્સને તેમજ 33% અન્યને વેંચાણ કરી નાખ્યો એટલે ટોટલ જમીનના 25% હિસ્સામાં પણ સરખા હિસ્સાના ત્રણ ભાગીદારો માલિક બની ગયા.
આ સમય દરમ્યાન આર્કિટેકે બોગસ પાવરનામાઓ બનાવી જમીન બારોબાર વેંચી મારી હોવાનો તેમજ ખાતેદારના ખોટા અને બનાવટી આધારો રજૂ કરી ગેરરીતિઓ કરી હોવાનો મૂળ જમીનમાલિકોએ વિવાદ ઊભો કર્યો. આ વિવાદ વધુને વધુ વકરતો ગયો. આમ આ જમીનમાં આર્કિટેક ખલનાયકની ભૂમિકામાં રહ્યા હોવાનું કહેવાય છે. આથી તેણે આ જમીનનું બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાની તૈયારી કરી દીધી હતી. પણ કોઈ જમીન લેવા તૈયાર થતા નહોતા. પણ ઉદ્યોગપતિ, ફતનદેવાળિયા ફાઈનાન્સર અને ધારાસભ્યે આ લોચાવાળી જમીન આર્કિટેક્ટ પાસેથી ખરીદવાનું સાહસ કર્યું ને પ્રકરણ આગળ વધ્યું.
2015માં આ વિસ્તારમાં ડ્રાફ્ટ ટીપી આવી એટલે આ જમીન બિનખેતી થતાં ધારાસભ્યે ત્યારબાદ નવા બનેલા જમીન માલિકોએ 2019માં રૂડામાથી રિવાઇઝ્ડ નવો લેઆઉટ પ્લાન અને વિકાસ પરવાનગી ફરી લીધી તેમજ જિલ્લા કલેકટર પાસેથી ફરી રિવાઇઝડ પ્લાન અને બિનખેતી પણ મંજૂર કરાવવામાં આવ્યા.
કાયદા-નિયમો કોઈ કામના ન હોય તો આમજનતાને શા માટે હેરાન કરો છો?
સરકારે આવા કાયદા-નિયમો સત્વરે રદ્દ કરીને ભૂમાફિયાઓને મોકળું મેદાન કરી આપવું જોઈએ!
જે જમીન રેવન્યુ અધિનિયમ પ્રમાણે ખાલસા થાય તેમ છે તેને વગદારો વેંચી નાખે છે, ટ્રાન્સફર કરી નાખે છે અને બિનખેતી/પ્લાન પાસ પણ કરાવી નાખે છે, કોર્ટ કેસ પણ પાછા ખેંચાવી શકે છે અને સત્તાની સામે ન પડવાની ચેતવણી પણ આપી શકે છે!
આ સમયે પણ મહેસૂલી અધિકારીઓએ કોઈ જાતનું વેરિફિકેશન કર્યા વિના મંજૂરીઓ આપી દીધી છે.
સવાલ એ છે કે ખેડૂત ખરાઈના પ્રમાણપત્રની ચકાસણી કર્યા વિના બિનખેતીની મંજૂરી આપવામાં આવતી નથી. આ જમીનમાં નંદુ અને આર્કિટેક્ટ પત્નીએ સાયલા તાલુકાનાં ખેડૂત ખાતેદાર હોવાના આધારો અને મામલતદારનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને બીજા રીંગરોડ ઉપર આવેલી જમીનમાં નોંધ પ્રમાણિત કરાવી છે અને ઉતરોત્તર વેચાણ વહેવારો કરેલા છે. એટલું જ નહીં પણ સાયલાના મામલતદાર, સર્કલ અધિકારી અને પ્રાંત અધિકારીએ પણ જમીન ખરીદનાર નંદુ અને આર્કિટેક્ટ પત્ની ખેડૂત ખાતેદારો ન હોય તેમજ અનિયમિત પ્રકારની નોંધો પડેલી હોય ઘરખેડ ઓર્ડિનન્સ પ્રમાણે કાર્યવાહી કરવાને પાત્ર હોવાના અભિપ્રાય આપેલ છે. તો રાજકોટના મહેસૂલી અધિકારીઓએ બીજા રીંગરોડ ઉપર આવેલી આ જમીન બિનખેતી અને પ્લાન પાસ થઈ જાય ત્યાં સુધી બેદરકારી દાખવી છે કે કોઈના ઇશારે મંજૂરીઓ આપ્યા કરી છે? કલેકટરે રિવાઇઝડ પ્લાન અને રિવાઇઝડ બિનખેતી હુકમ પણ કોઈ જાતની ચકાસણી કે ખરાઈ કર્યા વિના કરી નાખ્યા છે!
આ જમીન અંગે અગાઉ દીવાની દાવો થયેલો છે. ત્યારબાદ મૂળ જમીનમાલિકોએ દીવાની દવાઓ કરીને ન્યાય મેળવવાના પ્રયાસો કર્યા. પણ આ જમીનમાં જેતપુરના ઉદ્યોગપતિ પરિવાર તેમજ તેમના રાજકોટના સંબંધી ઉદ્યોગપતિ પરિવાર પણ હોય લાલચ, મની અને મસલ પાવરના બળે જમીનમાલિકોને દાવાઓ ખેંચવા માટે મજબૂર કરી દીધા હોવાની ચર્ચા થઈ રહી છે. આ કેસ દરમ્યાન આ જમીન રાજકોટની ત્રિપુટીએ ચાલુ કેસ સાથે ખરીદવાનું નક્કી કર્યું. પણ કેસમાં જમીન માલિકોએ નમતું ન આપતા હવાલો આપવામાં આવ્યો. વચ્ચે ગોંડલનો શખ્સ માધ્યમ બન્યો અને ચાર કરોડમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું. ચાર કરોડમાંથી નેવું લાખ દાવેદારને આપીને બાકીના પોલીસ અને વચેટીયાઓ જમી ગયા હતા.
જમીન ખરીદવાનું નક્કી કરતા જ પહેલા કોળીયે માખી આવતા ઉઠી ગયેલો ફાઈનાન્સર અને ધારાસભ્ય આ ખરીદીમાંથી ખસી ગયા એટલે આખી જમીન પૈકી 75 ટકા જમીનનો હવાલો લઇ લીધો. ઉદ્યોગપતિએ એક તકે તો મૂળ જમીનમાલિકો પાસેથી 2018માં ડિડ ઓફ ક્ધફર્મેશન પણ કરાવી લેવામાં આવ્યું. અને 2019માં 75% જમીન ઉદ્યોગપતિ વગેરેએ વેંચાણ દસ્તાવેજ કરાવી લીધો. અને 25%ના ભાગીદાર વગેરેને ભાગીદારી યથાવત રાખીને મૂળ જમીનમાલિકોએ કરેલ સ્પેશિયલ દીવાની દાવો પણ સત્તાના જોરે ભય બતાવીને પાછો ખેંચાવી લીધો હોવાનું કહેવાય છે.
આમાં પણ ત્રણ નંબરના દાવામાં મૂળ જમીન માલિકોએ નમતું ન આપતા ઉદ્યોગપતિએ માજી ધારાસભ્ય અને ચાલુ ખકઅને સાથે રાખીને હવાલો આપ્યો. એટલે આખો દિવસ ગળચ્યા કરતા અને દસ્તાવેજો ચર્યા કરતાં અધિકારી ખાનગી ગાડીમાં મુંજકા જઈને માલીકોને ઉઠાવી લઈને ઓફિસમાં લઇ ગયા અને ત્યાં બંને ઉપર ટોર્ચર કરીને મધરાત્રે ત્યાં જઈ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને ઉદ્યોગપતિએ રૂબરૂ બેફામ ગાળો કાઢી કેસ પાછો ખેંચવી લેવાની ફરજ પાડી. આ કામ પેટે દસ કરોડનો વહીવટ કર્યો હોવાનું કહેવાય છે. સાહેબોને ચાર કરોડ આપવામાં આવ્યા હોવાનું અને બાકીના છ કરોડનું કમીશન મધ્યસ્થીઓ જમી ગયા હોવાનું કહેવાય છે. દાવો દાખલ કરનાર વકીલને 18 લાખ ફી પેટે આપી દેવામાં આવ્યા હતા.
આ સમય દામ્યાન મહાનગરપાલિકામાં સાગઠીયા સીસ્ટમ કામ કરતી હોય જમીનમાં કલેકટર પાસે રિવાઈઝ્ડ પ્લાન પાસ કરાવીને સાગઠીયા પાસેથી તમામ મંજૂરીઓ લઇ લીધી અને મંજૂરી સાથેનો આખો પ્રોજેક્ટ બજારમાં વેંચવા કાઢ્યો જેમાં બિલ્ડર ગ્રુપ મળી ગયું.
ઉદ્યોગપતિને એમ હતું કે હવે જમીન ક્લિયર થઇ ગઈ છે એટલે આ જમીનનો સોદો 180 કરોડમાં એકવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી જુદા પડેલા બિલ્ડર ગ્રુપને વીસ ટકા કિંમતનો તૈયાર માલ જમા કરીને 2024માં વેંચાણ દસ્તાવેજ કરી આપ્યો એટલે એંશી ટકા રકમ અઢી વર્ષમાં ચુકવવાની શરત રાખીને જુથે જગ્યામાં પ્રોજેક્ટ બનાવવાનું શરૂ કરી દીધું.
આ જમીનનો વિવાદ ઘણા સમયથી પ્રચાર માધ્યમોમાં પણ ચમકતો રહ્યો છે છતા મહેસૂલી અધિકારીઓએ ગેરરીતિઓ આચરવાનું ચાલુ રાખીને આ જમીનનો પ્લાન પાસ કરી કરી નાખ્યો હોવાનું કહેવાય છે.એવી વાત પણ બહાર આવી છે કે જમીનમાલિક પડદા પાછળ રહીને આ જમીનમાં થઈ રહેલ આખો હાઈરાઇઝ પ્રોજેકટ ગ્રૂપ સાથે ભાગીદારીમાં રહીને અત્યારે ચાલુ કરી દીધો છે.
(મહેસૂલી અધિકારીઓ માલેતુજારો પાસેથી અઢળક પૈસા લઈને કાયદા અને નિયમોની ઉપેક્ષા કરીને કેવા કેવા ખેલ કરે છે તેનો અહેવાલ આવતા અંકમાં વાંચો.)