કાર્યકરોની નાડનો ધબકાર, કુશળ સંગઠક, પ્રખર રાષ્ટ્રવાદી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીનેતા તરીકે લોકશાહીને જીવંત રાખવા કટોકટી સમયે સૌથી નાની વયે 11 મહિના જેલવાસ ભોગવેલો
પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ રૂપાણીની સંગઠન કાર્યકુશળતા, નિપુણતા અને શાસકીય કાબેલિયત બેમિસાલ અદ્વિતીય હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ વિમાન અકસ્માત-પ્લેન ક્રેશમા અકાળે અવસાન પામેલ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વરિષ્ઠ રાજપુરુષ વિજયભાઈ રૂપાણી સાથે અનેક મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે આ એક ખૂબ દુ:ખદ દુર્ઘટના બની છે. અનેક લોકોએ તેમના સ્વજનોને ગુમાવ્યા છે. ભાજપે પણ રાષ્ટ્ર ને સમર્પિત, નિષ્ઠાવાન વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યા છે. વિજયભાઈએ કરેલા લોકસેવા-રાષ્ટ્રસેવા ના કાર્યોને હંમેશા લોકો યાદ કરશે.”
વિજયભાઈ સાથેના સ્મરણો વાગોળતા રાજુભાઈએ કહ્યું છે કે વર્ષો સુધી સાથે તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો છે. અનેકવાર તેમની સાથે પક્ષકાર્ય માટે પ્રવાસો કરવાનું થયું છે.અનેક લોકસેવા કાર્યો- પક્ષ કાર્યો માં તેમની સાથે કાર્ય કરવાનું અને શીખવાનું સદભાગ્ય સાંપડેલ. 1997માં ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર પ્રવક્તા તરીકે નિયુક્તિ થયેલ ત્યારથી ભાજપ મીડિયા સેલ ના કાર્યમાં તેમની સાથે જોડાવાનું થયેલ. પત્રકાર જગતમાં મીડિયાકર્મીઓમાં તેમના સંપર્કો અને લોકચાહના ખુબજ હતી. જાણ્યા અજાણ્યા લોકો કાર્યકર્તાઓ એમ દરેક મનાર વ્યક્તિ સાથે અત્યંત સરળતાપૂર્ણ વ્યવહાર, હમેંશા જમીન સાથે જોડાયેલા રહેવા ની વૃત્તિ, સરકાર, પક્ષમાં અને સમાજ જીવનમાં તેમના સંવેદનશીલ અને સહજ મળતાવડા સ્વભાવે તેમને કોમન મેન બનાવ્યા હતા.
1975માં વિદ્યાર્થી નેતા તરીકે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મહામંત્રી-જીએસ તરીકે ચૂંટાઈ વિજયભાઈએ વોર્ડના પ્રાથમિક કાર્યકર્તા -મહાનગરપાલિકા માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રાજકોટના મેયર, સંકલ્પ અમલીકરણ સમિતિ- ગુજરાત પ્રવાસન નિગમ ના ચેરમેન, રાજ્યસભાના સાંસદ, ગુજરાત ભાજપના મહામંત્રી-પ્રદેશ પ્રમુખ, ધારાસભ્ય, મંત્રી-મુખ્યમંત્રી તરીકે રાજકોટ,ભાજપ તથા રાજયના વિકાસમાં અનન્ય યોગદાન તેઓએ આપ્યું હતું.
વિજયભાઇએ રાજકોટ ના અદ ના કાર્યકર્તા તથા પ્રદેશ ભાજપ ના વરિષ્ઠ અગ્રણી તરીકે પોતાની એક શિસ્તબધ્ધ સૈનિક તરીકે પ્રતિબદ્ધતા પુરવાર કરી બતાવી. 1975માં વિદ્યાર્થી નેતા તરીકે શરૂ થયેલ તેમના રાજકીય જીવનની શરૂઆત પ્રદેશ ભાજપના આગેવાન અને પક્ષના વરિષ્ઠ મોવડી તરીકેનો કાર્યકાળ ખૂબ યશસ્વી અને પક્ષ નો વ્યાપ વધારી પક્ષ ને મજબૂત કરનારો રહ્યો.
અત્યંત વિચક્ષણ રાજકીય દીર્ઘદ્રષ્ટિ ધરાવતાં સંગઠન મહારથી નરેન્દ્રભાઇ મોદીએ કાર્યકુશલ અને નિષ્ઠાવાન પ્રદેશ ભાજપ અગ્રણી વિજયભાઇની સંગઠન તાકાતને પારખી હતી અને તેમને ભાજપના મહામંત્રી બનાવીને અન્ય અગ્રણીઓના સથવારે ગુજરાતમાં ભાજપના સંગઠનને મજબુત બનાવ્યું. વિજયભાઈ રૂપાણીએ મહેનતકશ સ્વભાવ અને સતત સક્રિયતા કાર્યદક્ષતા સાથે પક્ષ દ્વારા જે કંઇ જવાબદારી સોંપવામાં આવે તેને પુરી નિષ્ઠાથી બજાવી હતી અને તેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પણ તેમને જયારે જવાબદારી સોંપાઇ તો પોતાને સીએમ તરીકે નહીં કોમનમેન તરીકે સતત લોકો સાથે રહીને કામગીરી કરી હતી.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે જ્યારે સમગ્ર દેશ સમગ્ર વિશ્વ જે રીતે કોરોના કાળમાં સપડાયું હતું તે સમયે વિજયભાઇ રૂપાણીની મુખ્યમંત્રી તરીકે સૌથી મોટી કસોટી થઇ અને તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત માં સંપૂર્ણ તંત્ર ને કામે લગાડી કોરોના મહામારી માંથી ગુજરાત ને બહાર કાઢ્યું હતું. કોરોના મહામારી સમયે આ લખનારે તેમને વિનંતી કરતા રાજકોટ ના તમામ મીડિયાકર્મીઓ માટે બે વાર કોરોના વેકસીન લગાવવા માટે તેમણે ખાસ પરવાનગી આપી કેમ્પ કરાવેલ જેનો ફાયદો રાજકોટ ના તમામ મીડિયાકર્મીઓ તથા તેમના પરિવારો ને થયેલ.
તેમને રાષ્ટ્રીય સ્તરે પંજાબના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઇ તો જિંદગીના આખરી શ્વાસ સુધી તેઓએ પંજાબમાં ભાજપનું વર્ચસ્વ વધે અને ચૂંટણી સફળતા પણ મળે તે પણ જોયું હતું અને બે દિવસ પહેલા પોતાનો પંજાબ પ્રવાસ પૂરો કરીને ગાંધીનગર આવ્યા હતા.
તેમણે કહ્યું છે કે, વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજકીય કારકિર્દી દરમ્યાન પ્રબળ રાષ્ટ્રભાવના સાથે પોતાની પક્ષ પ્રત્યેની નિષ્ઠાને પોતાની પ્રજા સેવાપરાયણતાં ને કદી આંચ આવવા દીધી નહીં.
આવા વરિષ્ઠ, પ્રજાવત્સલ લોક નેતાના અકાળે નિધનથી રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-દેશને મોટી ખોટ પડી છે તેમ રાજુભાઇ ધ્રુવે વરિષ્ઠ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને વિનમ્રતાપૂર્વક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે.