જિલ્લામાં વધુ 100 જેટલા ગુના નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
થર્ટી ફર્સ્ટ અને નૂતન વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
પર્યટન સ્થળ સાસણ ગીર વિસ્તારમાં આવેલી હોટલો, રિસોર્ટ્સ અને ફાર્મ હાઉસમાં દરોડા પાડવા માટે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, એલસીબી, એસઓજી અને મેંદરડા પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. ખાસ કરીને ખાનગી પાર્ટીઓ પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા હાઈવે અને અંતરિયાળ વિસ્તારોનું રાત્રિ દરમિયાન નિરીક્ષણ કરાયું હતું. સાસણ ગીર તરફ જતા મુખ્ય માર્ગો પર વાહનોનું ચુસ્ત ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરીને વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી. આખી રાત ચાલેલી આ ઝુંબેશ દરમિયાન જિલ્લાભરમાંથી નશો કરેલી હાલતમાં નીકળેલા આશરે 100 જેટલા નશાખોરોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે છરી કે અન્ય હથિયાર રાખનારા શખ્સો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય પોઈન્ટ્સ પર પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. પોલીસની આ આક્રમક કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.



