સરકારનો મહત્વનો નિર્ણય : જમીન ફાળવણી બાદ કલેક્ટરોને બદલીની પણ સત્તા
વહીવટી કામગીરીમાં ઝડપ આવશે, ગાંધીનગરની મંજૂરીની રાહ નહીં જોવી પડે
- Advertisement -
રાજ્ય સરકારે વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે જિલ્લા કલેક્ટરોને મહેસૂલ વિભાગ હેઠળ જિલ્લા અને તાલુકા કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારીઓની જિલ્લા અંદર બદલી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અત્યાર સુધી આવી બદલી માટે ઉચ્ચ કક્ષાની મંજૂરી લેવી પડતી હોવાથી વહીવટી કામગીરીમાં વિલંબ થતો હતો, પરંતુ હવે જિલ્લા સ્તરે જ નિર્ણય લેવાતા કર્મચારીઓની જરૂરિયાત મુજબ તાત્કાલિક ફાળવણી શક્ય બનશે. સરકારના આ નિર્ણયથી જિલ્લાની કચેરીઓમાં સર્જાતી સ્ટાફની અછત દૂર કરવામાં સરળતા રહેશે અને અરજીઓના નિકાલ સહિતની સરકારી સેવાઓ વધુ ઝડપથી ઉપલબ્ધ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ નાયબ મામલતદાર, મહેસૂલી ક્લાર્ક અને મહેસૂલી તલાટીની બદલી કરવાની સત્તા કલેક્ટરો પાસે હતી, પરંતુ હવે આ સત્તાનો વ્યાપ વધારીને મહેસૂલ વિભાગ હેઠળના અન્ય વર્ગ-3ના કર્મચારીઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.
નવી જોગવાઈ મુજબ હવે સબ-રજિસ્ટ્રાર ગ્રેડ-1, સબ-રજિસ્ટ્રાર ગ્રેડ-2, સિનિયર સર્વેયર, સર્વેયર, ક્લાર્ક સહિતના વિવિધ વર્ગ-3ના કર્મચારીઓની જિલ્લા અંદર બદલી કલેક્ટર કરી શકશે. જોકે આ સત્તા માત્ર સંબંધિત જિલ્લાના કાર્યક્ષેત્ર અને સંબંધિત વિભાગના કેડર સુધી મર્યાદિત રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સંબંધિત વિભાગના વડા પાસે રહેલી બદલી કરવાની સત્તામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કલેક્ટરોને આપવામાં આવેલી વધારાની સત્તા માત્ર જિલ્લા કક્ષાની વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. દરેક બદલીનો આદેશ કરતા પહેલાં કલેક્ટરે સંબંધિત જિલ્લાના વિભાગીય અધિકારી સાથે પરામર્શ કરવો ફરજિયાત રહેશે, જેથી કચેરીના દૈનિક કામકાજ પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય.
સરકારના મતે અત્યાર સુધી જિલ્લા અથવા તાલુકા કચેરીમાં કર્મચારીઓની અછત સર્જાતી ત્યારે ગાંધીનગરથી મંજૂરી મેળવવામાં સમય લાગતો હતો, જેના કારણે અરજીઓનો બેકલોગ વધતો અને જાહેર સેવાઓમાં વિલંબ થતો હતો. હવે કલેક્ટર સ્થાનિક જરૂરિયાત મુજબ તાત્કાલિક કર્મચારીઓની બદલી કરીને કામનો ભાર સંતુલિત કરી શકશે અને જ્યાં સ્ટાફની અછત હોય ત્યાં ઝડપથી કર્મચારીઓની ફાળવણી કરી શકશે. સરકારે વધુમાં સ્પષ્ટતા કરી છે કે આ સત્તાનો ઉપયોગ માત્ર સંબંધિત વિભાગના કેડરમાં જ થઈ શકશે. ઉદાહરણ તરીકે, સેટલમેન્ટ કમિશનરના કાર્યાલયમાં ફરજ બજાવતા સર્વેયરની બદલી માત્ર તે જ વિભાગની અન્ય કચેરીમાં થઈ શકશે. તેની બદલી રજિસ્ટ્રેશન અથવા સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં કરી શકાશે નહીં. ઉપરાંત દરેક બદલીમાં સામાન્ય વહીવટ વિભાગ (GAD)ની બદલી નીતિનું પાલન ફરજિયાત રહેશે.




