મોટી મારડની સીમમાં શ્રમિક દંપતીની હત્યાનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો
મૃતક દુર્ગાને આરોપી સુરેશ સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો, પણ પરિવારની મરજી મુજબ રોહિત સાથે લગ્ન કર્યા હતા
- Advertisement -
મૂળ મધ્યપ્રદેશના જાબુંઆ જિલ્લાના વતની રોહીત ચૌહાણ અને તેની પત્ની દુર્ગાની પાટણવાવના મોટીમારડ ગામની સીમમાં વાડીમાં થયેલી રહસ્યમય હત્યાનો ભેદ એલસીબીએ ઉકેલી નાખી દાહોદના સિંગવડ તાલુકાના સુરેશ કમલેશ બારીયા ઉ.18ની ધરપકડ કરી છે. સુરેશને ત્રણેક વર્ષથી દુર્ગા સાથે પ્રેમસંબંધ હતો. પણ બંનેના લગ્ન શક્ય બન્યા ન હતા. બનાવના દિવસે સુરેશ પ્રેમિકા દુર્ગાને તેના પતિ રોહીત સાથે જોઈ જતાં રોષે ભરાયો હતો. રાત્રે મોકો મળતાં જ તેણે બંનેને નિંદ્રાધીન અવસ્થામાં જ પાઈપના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ રોહીત અને દુર્ગાના બે માસ પહેલા જ લગ્ન થયા હતા. રોહીતના પિતા મથુરાભાઈ વર્ષોથી કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામે શૈલેષભાઇ પટેલની વાડી વાવે છે. થોડા દિવસો પહેલાં જ રોહીત પત્ની દુર્ગાને લઈ પિતાની વાડીએ રહેવા આવ્યો હતો દુર્ગાના પિતા મોટીમારડ ગામની સીમમાં રમેશભાઈ ભુતના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરે છે. તેને કોઇ કામ અર્થે મધ્યપ્રદેશ જવાનું થયું હતું. જેથી તેણે જમાઈ રોહીત અને પુત્રીને થોડા દિવસ પોતાની વાડીની દેખભાળ માટે બોલાવતા બંને ગઇ તા.11ના રોજ ત્યાં આવ્યા હતા મોટીમારડમાં વાડી માલિક રમેશભાઈની બાજુમાં જ બીજી વાડી આવેલી છે. જ્યાં ભાગીયા તરીકે કામ કરતાં કરણે હાલ રોહીત જે વાડીની દેખભાળ કરતો હતો ત્યાં દવાના છંટકાવ માટે આરોપી સુરેશને બોલાવ્યો હતો. સુરેશ વાડીએ પહોંચતા જ પૂર્વ પ્રેમિકા દુર્ગાને તેના પતિ રોહીત સાથે જોઈ રોષે ભરાયો હતો. તે વખતે જ તેણે બંનેને પતાવી દેવાનું મનોમન નક્કી કર્યું હતું.
તેણે રોહીતે અને બીજા ભાગીયાએ મળી વાડીમાં દવાનો છંટકાવ કર્યો હતો ત્યાર બાદ સુરેશ ત્યાંથી જતો રહ્યો હતો. રાત્રિના બારેક વાગ્યાની આસપાસ રોહીત અને તેની પત્ની દુર્ગા જ્યારે વાડીના કુવાની બાજુમાં ખુલ્લામાં સુતા હતા ત્યારે ત્યાં ધસી જઈ સુરેશે બંનેને નિંદ્રાધીન અવસ્થામાં જ પાઈપના આડેધડ બેરહેમીથી ઘા ઝીંકી પતાવી દીધા હતા. આ રીતે ડબલ મર્ડર કરી વાડીએ ભાગી ગયો હતો પાટણવાવ પોલીસ સાથે તપાસમાં એલસીબી, એસઓજીની ટીમો પણ જોડાઈ હતી. વાડી વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી ત્યાં સીસીટીવી કેમેરાના અભાવે પોલીસનું કામ મુશ્કેલ બન્યું હતું. એલસીબી પીઆઈ જે.પી.રાવ અન્ય શકમંદો સાથે સુરેશની પણ ઘનિષ્ઠ પુછપરછ કરી હતી. આખરે તેણે ગુર્નો કબૂલી લેતા તેની ધરપકડ કરી હતી. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, આરોપી સુર્રેશ અને દુર્ગાના પ્રેમસંબંધ અંગે દુર્ગાના પરિવારજનો વાકેફ હતા. બંને વચ્ચે લગ્નની વાત પણ ચાલી હતી. પરંતુ દુર્ગાએ પોતાનો પરિવાર કહે ત્યાં જ લગ્ન કરવાની વાત કરી હતી. આ રીતે બંનેના લગ્ન શક્ય બન્યા ન હતા. દુર્ગાએ બે માસ પહેલા જ રોહીત સાથે લગ્ન કર્યા હતા.




