ડૉ.શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
જે. કૃષ્ણમૂર્તિ કહે છે કે મૃત્યુ એ બીજું કંઈ નથી પણ જ્ઞાતથી અજ્ઞાત તરફની યાત્રા છે. એક ઉદાહરણ આપતા તેઓ કહે છે, “ધારો કે તમને વર્ષોથી ધૂમ્રપાનની આદત છે, પછી એક દિવસ તમે મક્કમ નિર્ધાર કરીને ધૂમ્રપાન કરવાનું છોડી દો છો. આવું કર્યા પછી શું થશે એની સાચી માહિતી તમારી પાસે છે? તમને કેન્સર થતું અટકી જશે? તમારા આરોગ્યમાં સુધારો થશે? તમે દીર્ઘાયુષી બની જશો? આ બધી તમારી ધારણાઓ છે. ડૉકટરો અથવા તો તમારી આસપાસના માણસો પાસેથી લાધેલી માહિતી છે. ખરેખર શું થશે એ તમે જાણતા નથી. શક્ય છે કે બીજા કોઈ કારણવશ બીજા દિવસે તમારું મૃત્યુ થાય. હાર્ટ એટેક, અકસ્માત, મર્ડર, બીજી કોઈ કુદરતી હોનારત. પણ તમે ધૂમ્રપાન બંધ કરી દીધું એ સત્ય છે.
- Advertisement -
આવું જ જીવન અને મૃત્યુ વિશે કહી શકાય. તમારા જીવનકાળ દરમિયાન તમે ધન એકઠું કરો છો, મકાન અને ફર્નિચર વસાવો છો, સંબંધો બાંધો છો, પ્રેમ, નફરત, ઇર્ષ્યા, લોભ, દુન્યવી કામનાઓ, સારી અને નરસી લાગણીઓ આ બધામાં રચ્યાપચ્યા રહો છો. માની લો કે આ ધૂમ્રપાન છે. પછી એક દિવસ અચાનક જ મૃત્યુ પામો છો. જે સંબંધો, જે સંપત્તિ, જે લાગણીઓ તમે જિંદગીની છેલ્લી ક્ષણ સુધી તમારી સાથે લઈ ગયા છો એનો અચાનક અંત આવી જાય છે. એ પછી તમારું શું થવાનું છે એ તમે જાણતા નથી. ‘Life After Death’ મૃત્યુ પછીનું જીવન એ વિશે જાત-જાતની કલ્પનાઓ, દંતકથાઓ, ધાર્મિક માન્યતાઓ આ બધું આપણે વાંચ્યું છે અને જાણ્યું છે. પરંતુ ખરેખર શું થશે એ આપણે જાણતા નથી, માટે જ મૃત્યુ એ બીજું કશું જ નથી, જ્ઞાતથી અજ્ઞાત તરફની યાત્રા છે.




