ડિમોલિશનના સાડા ચાર મહિના બાદ પણ ખર્ચનો તપાસ રિપોર્ટ જાહેર ન થતાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
એક જ વ્યક્તિ ઓરડીઓ બનાવી ભાડે આપતી, ડિમોલિશન બાદ ક્રાઈમ રેટ ઘટ્યોઃ પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે જંગલેશ્વર ડિમોલિશન અને તેના ખર્ચના તપાસ રિપોર્ટના મુદ્દે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ભારે તડાફડી બોલી ગઈ હતી. બોર્ડ શરૂ થતાં પૂર્વે કોંગ્રેસ દ્વારા ખર્ચકાંડ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે બોર્ડની કાર્યવાહી દરમિયાન બંને પક્ષના નગરસેવકો સામસામે આવી જતાં અડધો કલાક સુધી ભારે હંગામાના દ્રશ્યો સર્જાયા હતા.જનરલ બોર્ડ પૂર્વે વિપક્ષ નેતા દીપ્તિબેન સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસે જંગલેશ્વર ડિમોલિશન ખર્ચકાંડ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દીપ્તિબેન સોલંકીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, “જંગલેશ્વર ડિમોલિશનને સાડા ચાર મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં સત્તાધીશો કોઈને કોઈ બહાને ખર્ચની તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં વિલંબ કરી રહ્યા છે. આ ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે સંડોવાયેલા અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.” કોંગ્રેસે આ તપાસ રિપોર્ટ વહેલી તકે જનતા સમક્ષ મૂકવાની માંગ કરી છે.જનરલ બોર્ડની શરૂઆતમાં પ્રશ્નોત્તરી શાંતિપૂર્ણ રીતે ચાલી હતી, પરંતુ વિપક્ષ નેતા દીપ્તિબેન સોલંકીનો ડિમોલિશન અંગેનો પ્રશ્ન આવતા જ માહોલ ગરમાયો હતો. ચર્ચા દરમિયાન પૂર્વ મેયર ડૉ. પ્રદીપ ડવે જંગલેશ્વર વિસ્તારમાં ક્રાઇમ રેટ ખૂબ ઊંચો હોવાનું નિવેદન આપતાં જ કોંગ્રેસના કોર્પોરેટરો ઉશ્કેરાયા હતા અને ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો.
જંગલેશ્વર ડિમોલિશન વખતે આ માનવીય અભિગમ ક્યાં ગયો હતો?
- Advertisement -
ડૉ. પ્રદીપ ડવે બચાવ કરતાં કહ્યું હતું કે, “રાજકોટ મહાનગરપાલિકા માનવીય અભિગમ સાથે ડિમોલિશન કરે છે. જેના વળતા જવાબમાં દીપ્તિબેન સોલંકીએ પ્રહાર કરતાં કહ્યું કે, “જંગલેશ્વર ડિમોલિશન વખતે આ માનવીય અભિગમ ક્યાં ગયો હતો? ત્યાં 60 વર્ષથી વધુ સમયથી વસવાટ કરતા પરિવારો આજે ઘરવિહોણા બની ગયા છે.”
કોંગ્રેસના વિરોધના પોસ્ટરો ફાડી નખાયા
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થયેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પોતાનો વિરોધ નોંધાવે તે પહેલાં જ તેમના બેનરો ફાડી નાખવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો. વિપક્ષે સત્તાધારી પક્ષ પર લોકશાહી ઢબે થતા વિરોધને દબાવવાનો આક્ષેપ કર્યો હતો.




