રાજકોટ મનપાના ફૂડ વિભાગની સ્પેશિયલ ડ્રાઈવ: ૬૨ પેઢીમાં તપાસ
મલાઈ, માવો, મોતીચૂર લાડુ અને કેસર-પિસ્તા, વેનીલા આઈસ્ક્રીમ સહિત 5 નમૂના લેબમાં મોકલાયા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 62 ખાદ્ય પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં કોઠારીયાની મંત્ર બેકરીમાંથી મળી આવેલો કુલ 38 કિલોગ્રામ અખાદ્ય અને એક્સપાયર્ડ જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બે પેઢીઓને લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન મુદ્દે નોટિસ ફટકારી કુલ રૂ. 2,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે તેમજ 5 ખાદ્ય નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.ફૂડ વિભાગની ટીમ દ્વારા કોઠારીયા ગામ આગળ, કોઠારીયા વોટર ટેંક સામે આવેલી મંત્ર બેકરીમાં તપાસ કરતાં અનહાઈજેનિક કન્ડિશન અને એક્સપાયરી ડેટ વીતી ગયેલો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બેકરી રો-મટીરીયલ્સ, મીઠાઈ, બ્રેડ, કલર, એસેન્સ અને ફ્લેવર સહિતનો કુલ 38 કિલો વાસી અને એક્સપાયર્ડ જથ્થો સ્થળ પર નાશ કરાયો હતો. પેઢીને અનહાઈજેનિક કન્ડિશન તેમજ લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ. 1,000નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો, અને ત્યાંથી (1) મલાઈ (લૂઝ), (2) માવો (લૂઝ) અને (3) મોતીચૂર લાડુ (લૂઝ)ના નમૂના લીધા હતા.આ ઉપરાંત, પેડક રોડ પર સીટી ગોલ્ડ પ્લાઝા ખાતે આવેલી સંજના ફેશનમાંથી (1) કેસર પિસ્તા આઈસ્ક્રીમ (લૂઝ) અને (2) વેનીલા આઈસ્ક્રીમ (લૂઝ)ના નમૂના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ લેબોરેટરી તપાસ અર્થે લેવાયા હતા. જ્યારે ગોંડલ રોડ પર વૃદ્ધાશ્રમ સામે રોનક કોમ્પ્લેક્સમાં આવેલી આઈ મોગલ પાન & હોટલને લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ. 1,000નો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો હતો.આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ફૂડ વિભાગની ટીમોએ નાના મવા રોડ, મોચી નગર (શીતલ પાર્ક મેઈન રોડ), બજરંગવાડી, કોઠારીયા રોડ, કૃષ્ણનગર મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, રેલ નગર મેઈન રોડ (આસ્થા ચોક), ડો. યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, ગોંડલ રોડ, અમીન માર્ગ, અમદાવાદ હાઈવે (આનંદપર-નવાગામ), 80 ફૂટ રોડ અને ગીતામંદિર મેઈન રોડ સહિતના વિસ્તારોમાં આવેલી વિવિધ બેકરી, ડેરી ફાર્મ, આઈસ્ક્રીમ પાર્લર, ફરસાણની દુકાનો, નાસ્તા ગૃહ, હોટલ-રેસ્ટોરન્ટ અને જનરલ સ્ટોર્સ મળી કુલ 62 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરી ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી.




