પૃથ્વીની ઝુકેલી ધરીને કારણે બનતી અનોખી ખગોળીય ઘટના
રાજકોટમાં સૂર્યોદય સવારે 6:36 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 6:40 કલાકે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત સમગ્ર દેશમાં આવતી કાલે, સોમવાર તા. 22 સપ્ટેમ્બરે દિવસ અને રાત સરખા હોવાનો અદ્દભુત અનુભવ થશે. આ ખગોળીય ઘટનાને શરદસંપાત તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષમાં બે વખત સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત એકબીજાને છેદે છે, ત્યારે દિવસ-રાત સમાન રહે છે. માર્ચમાં વસંતસંપાત બાદ સપ્ટેમ્બરમાં શરદસંપાત બને છે.
ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે પૃથ્વીની ધરી 23.5 અંશે ઝુકેલી હોવાના કારણે ઋતુઓમાં ફેરફાર જોવા મળે છે. આ જ કારણસર ક્યારેક દિવસ લાંબો તો ક્યારેક રાત્રી લાંબી અનુભવાય છે. જો પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ-રાત હંમેશાં 12-12 કલાકના રહેતાં અને ઋતુ પરિવર્તનનો અનુભવ જ ન થઈ શક્યો હોત. સપ્ટેમ્બર માસની આ ઘટના પાનખરનો પ્રારંભ ઉત્તર ગોળાર્ધમાં દર્શાવે છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં વસંતનો આરંભ થાય છે.
આ પ્રસંગે રાજકોટમાં સૂર્યોદય સવારે 6:36 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 6:40 કલાકે થશે, એટલે 12 કલાક 04 મિનિટનો દિવસ રહેશે. અમદાવાદમાં સૂર્યોદય 6:29 કલાકે અને સૂર્યાસ્ત 6:34 કલાકે થશે, એટલે દિવસ 12 કલાક 05 મિનિટનો રહેશે.
સુરત તથા મુંબઈમાં પણ દિવસ અને રાત્રી લગભગ સમાન જોવા મળશે. ખગોળશાસ્ત્રીઓ અનુસાર દિવસ-રાત બરાબર હોવામાં સામાન્ય રીતે ત્રણથી સાત મિનિટનો તફાવત રહે છે, જે સૂક્ષ્મ ગણિતની ગણતરીઓથી સ્પષ્ટ થાય છે.
વિજ્ઞાનીઓ જણાવે છે કે પૃથ્વી દર 365 દિવસમાં એક વખત સૂર્યની પરિક્રમા કરે છે. આ ગતિ દરમ્યાન ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સૂર્ય તરફ ઝુકેલા હોવાના કારણે ગરમી-ઠંડી અને દિવસ-રાતનો તફાવત અનુભવાય છે. સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય પૃથ્વીના વિષુવવૃત્ત પર સીધો રહે છે, જેના કારણે વિશ્વના લગભગ દરેક સ્થળે દિવસ અને રાત્રી 12-12 કલાકના બને છે.
શરદસંપાત એટલે સૂર્યના વિષુવવૃત્ત પર સીધા ઉભા રહેવાનો ક્ષણ. આ દિવસે સૂર્ય પૂર્વમાંથી જ ઉગે છે અને પશ્ચિમમાં જ અસ્ત થાય છે. લેટિન ભાષાના ફયિીીત એટલે કે સમાન અને ક્ષજ્ઞડ્ઢ એટલે કે રાત શબ્દ પરથી ઊિીશક્ષજ્ઞડ્ઢ શબ્દ આવ્યો છે. આ ઘટના પૃથ્વી પર ઋતુ પરિવર્તનનું મુખ્ય કારણ બની રહે છે. ભારત જન વિજ્ઞાન જાથાએ લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરી છે કે સોમવારે થતી આ અદ્ભુત ઘટના નિહાળી પ્રકૃતિના ચમત્કારિક ઋતુચક્રનો અનુભવ કરો.



