આંદોલન એક બંધારણીય અધિકાર, પ્રોટોકોલ નક્કી થાય, પોલીસ સાથે મારઝૂડ પણ ચિંતાજનક
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું એ એક બંધારણીય અધિકાર છે, જેને છીનવી શકાય નહીં. ફક્ત પ્રદર્શન કે આંદોલન થવાના આધારે પોલીસની ક્રૂરતા કે વધુ પડતી કડકાઈને યોગ્ય ઠેરવી શકાય નહીં. ૨૦ જુલાઈએ જંતર-મંતર પર પોલીસ લાઠીચાર્જ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતા CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે કહ્યું કે પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ પર હુમલા થવા એ ચિંતાની વાત છે અને સરકાર પાસેથી આ અંગે જવાબ માંગી શકાય છે. હવે કોર્ટ મંગળવારે આ તમામ અરજીઓ પર એકસાથે સુનાવણી કરશે.
- Advertisement -
આ અરજીઓમાં આરોપ છે કે NEET પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે અત્યાચાર કર્યો. આ અરજીઓ ૨૦ જુલાઈએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસદ માર્ચ સાથે સંબંધિત છે. કોકરોચ જનતા પાર્ટીએ ૨૦ જુલાઈએ જંતર-મંતરથી સંસદ સુધી કૂચ કરી હતી. સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી ચાલેલા પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘણી વખત અથડામણ થઈ હતી. કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડ્યા, સંસદ તરફ કૂચ કરી. આ લોકો જંતર-મંતરથી સંસદ માર્ગ, જનપથ ચોક, વોર મેમોરિયલ, કર્તવ્ય પથ, વિજય ચોક થઈને સંસદની નજીક પહોંચી ગયા હતા. આ લોકોએ સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે ટીયર ગેસના ગોળા છોડયા હતા. મોડી સાંજે પથ્થરમારાની તસવીરો પણ સામે આવી. આમાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા. જોકે, પોલીસે સાંજે ૫ વાગ્યા સુધીમાં જંતર-મંતર ખાલી કરાવી લીધું હતું. પરંતુ, રાત્રે લગભગ ૧૧ વાગ્યે CJP સમર્થકો જંતર-મંતર પહોંચ્યા અને ફરીથી પ્રદર્શન શરૂ કરી દીધું હતું.




