રાજકોટ – કોરોનાની બીજી લહેરની મુશ્કેલ પરિસ્થિતિ સમયે લોકોની વચ્ચે રહી સાચા અર્થમાં કોરોના વોરિયર્સનું બહુમાન મેળવી ગયેલા ૧૦૪ જેટલા કોરોના યોદ્ધાઓનું રાજકોટ જિલ્લાના ભાયાવદર ખાતે ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને સાંસદ રમેશભાઈ ધડુકની પ્રેરક ઉપસ્થિતિમાં શાલ, શિલ્ડ અને પુસ્તક અર્પણ કરીને મહાનુભાવો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ભાયાવદરની સરકારી હોસ્પિટલના ડો નીશીત, ડો નિષાદ સહિત અર્બન હેલ્થના સ્ટાફ, નગરપાલિકા, પી. જી. વી. સી. એલ, પોલીસ, મામલતદાર ઓફીસ, આંગણવાડી વર્કર, સહકારી મંડળી, હોમ ગાર્ડ અને કોરોના સમયે આર્થિક રીતે મદદ કરનારા કુલ ૧૦૪ કોરોના રિયલ હીરો અને કોરોના યોદ્ધાઓનું ભાયાવદર કોરોના કેર સેવા કેન્દ્ર સમિતિના આયોજન હેઠળના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.
- Advertisement -

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે જીવન અને મૃત્યુની પાતળી ભેદરેખા વચ્ચે આ કોરોના વોરિયર્સ ઊભા રહ્યા છે. તેમની સમજણ સાથેની સેવા એ જ આ દેશના સંસ્કારો છે. તેમના સારા કાર્યોનું સન્માન કરવું તે આપણા સંસ્કારોની પ્રતીતિ કરાવે છે. કોરોના સમયેના આ રિયલ હીરો નું આપણે સાથે મળીને સન્માન કરીએ એ જ ગૌરવની વાત છે
અધ્યક્ષ ત્રિવેદીએ કોરોનાની વેક્સીન લેવા લોકો જાગૃતિ દાખવે તેવી અપીલ કરતા કહ્યુ હતુ કે વેક્સિનેસનમાં આપણા રાષ્ટ્રના લોકો વિશ્વમાં ખૂબ આગળ છે. હજુ પણ કોરોના જતો નથી રહ્યો, એ માટે કાળજી લઈને કોરોનાથી સલામત આપણું રાજ્ય રહે તેવા આપણે સૌ પ્રયાસ કરીએ અને “હું પણ કોરોના વોરિયર્સ “. “હારશે કોરોના, જીતશે ગુજરાત”ના સૂત્રને સાર્થક કરી વૃક્ષોનું જતન કરી ઓકસીજનની ઘટ ન પડે એવી સમજણ કેળવી સમાજની સેવામાં રહી પુણ્યનું ભાથું બાંધીએ.
- Advertisement -

આ પ્રસંગે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, કોરોના સમયે આર્થિક સહાય આપનાર ઉદ્યોગપતિ પુનિત ચોવટીયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
કાર્યક્રમના આયોજક ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાએ ભાયાવદરની કોરોના સમયની મુશ્કેલ ઘડીએ જે કોરોના યોદ્ધાઓ, આગેવાનો, દાતા ઓનો સાથ મળ્યો તેનો ઉલ્લેખ કરી ભાયાવદરનો સેવા સંસ્કારનો ઇતિહાસ રજૂ કરી સૌને આવકાર્યા હતા.

આ પ્રસંગે નાયબ કલેકટર જી.વી.મિયાણી, મામલતદાર પી.એમ.મહાવદિયા, અતુલભાઈ વાછાણી, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ચંદ્રાવડીયા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ સુવા, સરજુભાઈ માકડિયા, જેનીશ ભોજાણી, પંકજ મોડીયા, અમૃત ફળદુ, સુરેશ માકડિયા, કિરીટ પાદરીયા સહિત દાતાઓ, આગેવાનો અને કોરોના રિયલ હીરોઝની ઉપસ્થિતિ રહી હતી. વિપુલ વિરોજાએ આભાર વ્યક્ત કર્યો હતો.


