અમને ઘર વિહોણા ન કરો, 30 વર્ષથી અહીં રહીએ છીએ : સરકારી નિયમ મુજબ ફી ભરવા પણ તૈયાર છીએ
ડિમોલીશન થતાં 60 થી 70 પરિવાર બનશે ઘરવિહોણાં
રાજકોટના લક્ષ્મી નારાયણ પ્રાથમિક વિદ્યાલય પાસે કટારીયા શો રૂમની સામે છેલ્લા 30 વર્ષથી રહેતાં નાગરિક નરેશભાઈ હીરાભાઈ ચૌહાણે ડિમોલીશન ન કરવા અંગે રાજકોટ મનપા કમિશનર અમિત અરોરાને આવેદન પત્ર પાઠવ્યું છે. મળતી વિગતો અનુસાર, આર.એમ.સી.એ ત્યાં રહેતા લોકોને 8 માર્ચના રોજ ડિમોલીશન કરવા અંગેની નોટીસ પાઠવી હતી.
- Advertisement -
આ નોટીસના જવાબમાં રહેવાસીઓએ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, અમે 30 વર્ષથી અહીં રહીએ છીએ. વેરો પણ ભરીએ છીએ અને પી.જી.વી.સી.એલ. લાઈટના બીલોની રકમ પણ ભરીએ છીએ. મજૂરી કરીને ગુજરાન ચલાવતાં અમે લોકો ડીમોલીશન થવાથી ઘરવિહોણા થઈ જશું. આશરે 60 થી 70 પરિવાર ઘરબાર વિનાનાં થઈ જશે. અમારી મરણમુડી કહો કે કંઈ એ માત્ર આ ઘરનો આસરો જ છે.
રહેવાસીઓએ આવેદનપત્રમાં આજીજી કરતાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી કહે છે કે, કોઈ પરિવાર ઘર વિહોણો નહીં રહે ત્યારે અમારું શું ? અમે રહીએ છીએ એ જગ્યા યુ.એલ.સી. ફાજલ જગ્યા છે. અમે સરકારી ધારા-ધોરણો મુજબ આ જગ્યા માટે જે કંઈ ફી ભરવાની થતી હોય તે ભરવા તૈયાર છીએ. ત્યારે રહેવાસીઓએ ન્યાયની માંગણી સાથે આ આવેદન પત્ર પાઠવ્યું છે. જો કે રહેવાસીઓએ યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિન્હા માર્ગે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ધરણા પર બેસવાની ચિમકી આપી છે.


