વોર્ડ નં. 18માં અમરનાથ પાર્કમાં બોલબાલા માર્ગના પાકા દબાણો દૂર કરાતા રહેવાસીઓનો વિરોધ
મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઠારીયા ચોકડી પાસે 30 મિલ્કતો પર આજે મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું જે અંગે રહેવાસીઓએ વિરોધ પણ દર્શાવ્યો હતો. વોર્ડ નં. 18માં કોઠારીયા રોડ પર આવેલા દબાણો અને રાજકોટમાં આવેલા ટી.પી. સ્કીમ નં. 10, એફ.પી. નં. 89માં આવેલા રહેણાંક હેતુના અમરનાથ પાર્ક શેરી નં. 11ના બોલબાલા માર્ગ પર આવેલ દબાણ આજે હટાવવામાં આવ્યું હતું તથા કોઠારીયા ગામ રોડ પર આવેલ 24.00 મીટરના ટી.પી. રોડ પર આવેલા 23 આસામીઓના દબાણો હટાવી ટી.પી. રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ અંગે તમામ દબાણકર્તાઓને ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એક્ટ હેઠળ નોટીસ પણ પાઠવવામાં આવવા છતાં આસામીઓ દ્વારા બાંધકામ ન હટાવાતા આજરોજ મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા.


