ભાટી એન.નો નખ કપાયો અને ચાહકોનાં જાણે હૃદય ચીરાઈ ગયા!
છેલ્લાં વીસ વર્ષથી નખ વધારીને આઠ ઈંચનો કર્યો હતો!
વિશ્ર્વનાં પ્રથમ નેઈલ આર્ટિસ્ટ તરીકે નામના મેળવી હતી
ગુજરાતનાં જાણીતા તસવીરકાર, વાંકાનેરના ભાટી એન. પોતાની ઉમદા તસવીરકળા ઉપરાંત પોતાનાં આઠ ઈંચ લાંબા નખ માટે પણ જાણીતા છે. પરંતુ હવે પછી આપણે બધા તેમને નખવાળા ભાટી એન. નહીં કહી શકીએ. કારણ કે, તેમણે પોતાનો પ્રાણપ્યારો નખ આજે કપાવી નાંખ્યો છે. વાંકાનેરનાં ગાયત્રી મંદિરના મહંત અશ્ર્વિનભાઈ રાવલનાં વરદ હસ્તે તેમનો નખ કાપવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

- Advertisement -
આ અગાઉ ફોટો જર્નાલિસ્ટ, કવિ, ચિત્રકાર, નેઈલ આર્ટિસ્ટ ભાટી એન ફેસબૂકમાં લાઈવ થયાં હતાં અને પોતાનો નખ કાપવાની જાહેરાત કરતાં લાગણીવશ થઈને રડી પડ્યા હતા. આ લાગણીસભર વિડીયો નિહાળીને અનેક મિત્રો-ચાહકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
ભાટી એન દ્વારા વિડીયોમાં જણાવાયું હતું કે, ‘હવે આ નખ મારા માટે સંભાળવો મુશ્કેલ છે. સૂતાં-જાગતા, ઉઠતાં-બેસતાં નખનું સતત ધ્યાન રાખવું પડે છે અને સમગ્ર ફોક્સ નખને જ આપવું પડે છે.’ ભાટી એનના આ નિર્ણય-પગલાંથી ચાહકોને જબરો આંચકો લાગ્યો છે.

- Advertisement -
નખને સંગ્રહાલયમાં મૂકવામાં આવે તેવી ઈચ્છા: ભાટી એન
તસવીરકાર ભાટી એનનો આ નખ એક અજાયબીથી કમ નથી. આઠ ઈંચનો તેમનો નખ જોવા લોકો પડાપડી કરતાં અને તેમનો નખ દેખાય એ રીતે તેમની જોડે સેલ્ફી પડાવતાં. નખનાં દુ:ખદ અવસાન સમયે ભાટી એન દ્વારા એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે, આ નખને કોઈ મ્યુઝિયમમાં રાખવો જોઈએ. આ અંગે આજે પહેલ કરતાં ‘ખાસ-ખબર’એ રાજકોટનાં અને જૂનાગઢનાં મ્યુઝિયમમાં પણ સંપર્ક કર્યો છે.
ભાટીનાં નખનાં માન્યામાં ન આવે તેવા પૈસા ઉપજી શકે
હાલ તો ભાટી એનની ઈચ્છા એવી છે કે, આ નખને મ્યુઝિયમમાં મૂકવામાં આવે અથવા તેનું કોઈ સ્મરક બને. પરંતુ ભારત- દુનિયાનાં વિખ્યાત ઑકશન હાઉસનાં ધ્યાનમાં આ બાબત આવે તો તેમનાં નખની હરરાજી પણ થઈ શકે છે અને તેની અકલ્પ્ય કિંમત ઉપજી શકે છે.


