પવિત્ર વન અને પંચવટી કેન્દ્રનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા
ખાસ-ખબર સંવાદદાતા
74મા જિલ્લા કક્ષાના વન મહોત્સવ-2023ની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને સમરસ ગર્લ્સ હોસ્ટેલ, રાજકોટ ખાતે કરવામાં આવી હતી. મંત્રીના હસ્તે કેરાળેશ્વર મહાદેવ મંદિર ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રૂ. 10 લાખના ખર્ચે બનાવવામાં આવેલા ‘પવિત્ર વન’ તથા જસદણ તાલુકાના પારેવડા ગામ ખાતે રૂ. 30 લાખના ખર્ચે બનાવવામાં આવેલા ‘પંચવટી કેન્દ્ર’ નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, આપણા વડીલોએ આપણને વૃક્ષોની પૂજા કરીને પ્રકૃતિનું સરક્ષણ અને સંવર્ધન કરવાનું શીખવ્યું છે. આ જ સંદર્ભમાં રાજયસરકાર વન મહોત્સવ મનાવે છે જેના થકી સરકાર વૃક્ષોની જાળવણી તેનો ઉછેર, સંરક્ષણ અને સંવર્ધન કરવાનો હેતુ પરિપૂર્ણ થાય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે કહ્યું હતું, લોકોએ જન્મદિવસના દિવસે કેક કાપવાની સાથોસાથ એક વૃક્ષ અચૂક પણે વાવવું જોઈએ. જેથી જંગલ અને પ્રકૃતિનું સરક્ષણ અને સંવર્ધન કરી શકાય. દરેક ગામમાં મિયાવાકી જંગલોનું જતન કરવામાં આવશે તો ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીનહાઉસ ઈફેક્ટને ઓછી કરી શકાશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, વડોદરાના ફોરેસ્ટ ક્ધઝર્વેટર અંજુમન શર્મા, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક શ્રી આનંદબા ખાચર, સમરસ ગર્લ્સ-બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, રેક્ટરઓ તથા વનવિભાગના કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.