રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સર્વે શરૂ થશે, આડેધડ પરિવહન તથા બારોબારના પ્રવાસન પર અંકુશ મુકાશે
ગીર આસપાસના ભાગોમાં છેલ્લા ૪૫ દિવસ (દોઢ મહિના)માં સિંહ-માનવ વચ્ચે સંઘર્ષના ૧૦ કેસ નોંધાતા સરકારમાં દોડધામ થઈ પડી છે. ગુજરાતના ગૌરવસમા સિંહ તથા લોકો બન્નેને બચાવવા માટે નવો એકશનપ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગીર વિસ્તારમાં નવા રિસોર્ટને મંજુરી આપવામાં નહીં આવે ઉપરાંત હયાત ગેરકાયદે રિસોર્ટ પર તવાઈ ઉતારાશે. અનિયંત્રીત પ્રવાસન તથા અભ્યારણ ક્ષેત્રમાં નિરંકુશ હેરફેર પર લગામ મુકવાનો સરકારનો વ્યુહ છે. રાજ્યના વનવિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રકચરની સર્વગ્રાહી સમીક્ષા ન થાય ત્યાં સુધી ગીર આસપાસના એકપણ નવી હોટેલ કે રિસોર્ટને મંજુરી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ આ ક્ષેત્રમાં હોટલ-રિસોર્ટનો રાફડો છે. ઉપરાંત હોમસ્ટે પણ ચાલુ થયા હોવાથી માણસો મોટી સંખ્યામાં રહેવા લાગ્યા છે. આમાંથી કેટલાંક તત્વો ગેરકાયદે લાયન-શો કરે છે તેમજ બારોબાર જંગલ પ્રવાસ પણ કરાવે છે. પર્યાવરણવાદીઓ તેમાં વખતોવખત વિરોધ કરે જ છે. રાજ્યના વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, ગીર તથા ગ્રેટર ગીર ક્ષેત્રમાં નવા રિસોર્ટ-હોટલને મંજુરી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત મંજુરી વિના ગેરકાયદે ચાલતી હોટલ-રિસોર્ટને બંધ કરાવીને ડીમોલીશન કાર્યવાહી કરાશે.
આ માટે તુર્તમાં સર્વે હાથ ધરાશે. ધારી-તુલસીશ્યામ કોરિડોર પર ખાસ ફોકસ રહેશે. જયાં ૩૦ જેટલા રીસોર્ટ ખડકાઈ ગયા છે. દીવ જતા પ્રવાસીઓ આ ક્ષેત્રમાં હોલ્ટ કરીને સિંહદર્શન માટે પ્રયાસ કરતા હોય છે. એક અંદાજ પ્રમાણે તલાલા, સાસણ અને મેંદરડા બેલ્ટમાં ૫૫૦ જેટલા હોમસ્ટે ચાલે છે. અગાઉ હોમસ્ટેની મંજુરી લીધા બાદ કોમર્શિયલ રિસોર્ટમાં 2વાઈ ગયા છે તેમની સામે શરત-નિયમભંગની કાર્યવાહી થશે. આ ઉપરાંત અભ્યારણમાંથી નિકળતા રસ્તા પરથી પસાર થતા વાહનો પર નિયંત્રણ મુકવાની તૈયારી છે. પ્રવાસીઓ અધવચ્ચે અટકીને સિંહની તલાશ કરતા હોય છે. નવી ટેકનોલોજી દાખલ કરીને નજર રાખવામાં આવશે.
- Advertisement -
ગીરની અંદરના મંદિરોમાં જતા યાત્રાળુઓ માટે પણ નિયંત્રણો મુકાશે
ગીરની અંદર આવેલા ધાર્મિક સ્થાનોમાં યાત્રાળુઓના ધસારાને નિયંત્રિત કરવા માટે પણ વન વિભાગ દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે. જંગલ સફારી માટે પ્રવાસીઓ પર મર્યાદા છે તે ધોરણે યાત્રાળુઓની સંખ્યા પર મર્યાદા લાગૂ કરવાની દરખાસ્ત પર વિચારણા હાથ ધરવામાં આવી છે. યાત્રાળુઓને જુદા-જુદા ગ્રુપમાં મોકલવા તથા તાલીમબધ્ધ ટ્રેકરને સાથે રાખવાની વિચારણા છે. સાવજોને કોઈ ખલેલ ન પહોંચે તે માટે ઉંચાભાગોમાં યાત્રાળુઓને લઈ જતાં ડોલીવાળા માટે પણ નિયત કેડી માર્ગ નકકી કરાશે અને તે માટે તાલીમ પણ અપાશે.




