72% ભાગોમાં NDA શાસન
દેશનાં 22 રાજ્ય અને 78% વસતિ પર NDAનું રાજ: 17 રાજ્યમાં ભાજપનાં મુખ્યમંત્રી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પશ્ચીમ બંગાળ, આસામ તથા પુડ્ડુચેરી પર કબ્જો કરીને ભાજપે મેદાન મારી લીધું છે અને મોટી મહત્વની રાજકીય સફળતા હાંસલ કરી છે. આ સાથે 22 રાજ્યોમાં ભાજપ-એનડીએની સરકાર છે.
મહત્વની વાત એ છે કે દેશના 72% ભૌગોલિક વિસ્તાર અને 78% વસતી પર એનડીએનું શાસન છે. દેશમાં વર્તમાન ભાજપ-એનડીએ શાસન પર નજર કરવામાં આવે તો 2014થી તેનો સૂર્ય ચમકવા લાગ્યો હતો અને તેમાં પણ છેલ્લા આઠ વર્ષમાં કમાલ કરી છે. 2018 ડીસેમ્બરના 48% ભૌગોલિક વિસ્તાર તથા 54% વસતી પર ભાજપ એનડીએનું શાસન હતું જે હવે વધીને અનુક્રમે 72 અને 78% પર છે. ભાજપ વિરોધી પક્ષોના શાસન પર દ્રષ્ટિ કરવામાં આવે તો ડિસેમ્બર-2018માં 52% ભૌગોલિક વિસ્તાર અને 46% વસતી પર શાસન હતું તે હવે ઘટીને અનુક્રમે 28 અને 22% પર રહી ગયું છે. દેશના 31માંથી 22 રાજ્યો પર ભાજપ-એનડીએનું રાજ છે. 22માંથી 17 રાજ્યોના મુખ્યમંત્રી એકલા ભાજપના છે તેમાં પશ્ર્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. દેશનાં 31 વિધાનસભામાં કુલ 4126 ધારાસભ્યો છે તેમાંથી અંદાજીત 1800 માત્ર ભાજપના જ છે. 2014માં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી સત્તારૂઢ થયા બાદ ભાજપ-એનડીએ વધુ મજબૂત બન્યું છે અને તેમાં પણ છેલ્લા આઠ વર્ષમાં કમાલ થઇ છે. ભાજપનું વર્ચસ્વ ધરાવતા ક્ષેત્રો-વસતીમાં અંદાજીત 25%નો વધારો થયો છે. ભાજપ-એનડીએની વધતી તાકાત સામે વિરોધપક્ષ સતત નબળો જ પડી રહ્યો છે. બે વર્ષ પૂર્વે 2024ની લોકસભા ચૂંટણીમાં ઝાટકા બાદ એનડીએની શક્તિ વધી રહી છે. ગઇકાલના પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોએ વધુ એક સાબિતી આપી છે. હવે આવતા વર્ષે ઉતર પ્રદેશ સહતિ સાત રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેની તૈયારી ભાજપ દ્વારા અત્યારથી જ શરૂ કરવામાં આવી છે. વિરોધપક્ષો એકતા જાળવવામાં નિષ્ફળ જતાં હોવાથી સૌથી મોટી કમજોરી છે.



