કોલેજ રોડ પર બનાવવામાં આવેલા સાયકલ ટ્રેકનું નામો નિશાન નહીં
મંજૂર થયેલાં સાયકલ ટ્રેક કરતા પણ અડધુ જ કામ કરવામાં આવ્યું
- Advertisement -
હાઉસિંગ બોર્ડનાં બિલ્ડિંગથી મોતીબાગ સુધી ટ્રેક જ ન બનાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકમાં ગેરરીતી અને ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહે છે. ત્યારે જૂનાગઢમાં રૂપિયા કમાવા સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢનાં કોલેજ રોડ પર સાયકલ ટ્રેક બનાવવનો નિર્ણય મનપાએ કર્યો હતો. પરંતુ હાલ આ સાયલક ટ્રેકનું નામો નિશાન રહ્યું નથી. એટલું જ નહી મંજુર થયેલા સાયકલ ટ્રેક કરતા પણ અડધુ જ કામ કરવામાં આવ્યું છે. હાઉસીગ બોર્ડનાં બિલ્ડિંગથી મોતીબાગ સુધી ટ્રેક જ બનાવવામાં આવ્યો નથી. જૂનાગઢ મહાનગર પાલીકાને બે વર્ષમાં રૂપિયા 7706 કરોડની ગ્રાન્ટ મળી છે. પરંતુ જૂનાગઢનો વિકાસ થતો નથી. જૂનાગઢમાં યોગ્ય રસ્તા પણ નથી. જૂનાગઢને મળતી ગ્રાન્ટ કયાં જાય છે ? તે મોટો સવાલ છે. જૂનાગઢ શહેરમાં અનેક કામ થાય છે પરંતુ આયોજન વિનાનાં કામ કરવામાં આવે છે. જેના કારણે જૂનાગઢને મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ વેડફાઇ જાય છે. તેનું જાગતું ઉદાહરણ જૂનાગઢમાં બનાવવામાં આવેલો સાયકલ ટ્રેક છે. જૂનાગઢમાં અંદાજે 4 વર્ષ પહેલા કોલેજ રોડ પર સાયકલ ટ્રેક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ ટ્રેક કોલેજ રોડ થઇ મોતીબાગ સર્કલ સુધી બનાવાવનો હતો. પરંતુ સાયકલ ટ્રેક અડધો જ બનાવવામાં આવ્યો છે. બહાઉદ્ીન કોલેજથી હાઉસીગ બોર્ડનાં બિલ્ડિંગ સુધી જ બનાવવામાં આવ્યો છે. હાઉસિંગ બોર્ડથી મોતોબાગ સર્કલ સુધીનું કામ છોડી દેવામાં આવ્યું છે. તેમજ સાથે ફૂટપાથ પણ બનાવવાની હતી. પરંતુ આ કામ પણ અધુરું મુકી દેવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગર પાલીકાએ લાખો રૂપિયાનાં ખર્ચે સાયકલ ટ્રેક બનાવ્યો હતો. પરંતુ હાલ તેનું નામો નિશાન રહ્યું નથી. સાયકલ ટ્રેક અને ફૂટપાથ ઉપર દબાણ થઇ ગયું છે. એક વખત પણ લોકોએ સાયકલ ટ્રેકનો ઉપયોગ કર્યો નહી હોય. માત્રને માત્ર ગ્રાન્ટ વાપરવા માટે જ સાયકલ ટ્રેક બન્યો હોય તેવું લાગી રહ્યું છે. અથવા કોન્ટ્રાકટરને કમાણી કરવા માટે આ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હોય તેવી ચર્ચા જાગી છે.
વચ્ચેથી વીજ પોલ પણ દૂર ન કર્યા
જૂનાગઢનાં કોલેજ રોડ પર સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. પરંતુ સાયકલ ટ્રેકની વચ્ચેથી વીજ પોલ પણ દુર કરવામાં આવ્યાં ન હતાં. વીજ પોલીની સાથે સાયકલ ટ્રેક બનાવી નાખવાાં આવ્યો હતો.લોકો સાયકલ ચલાવવા ઇચ્છે તો પણ ચાલવી શેક નહી.
હાઉસિંગનાં બિલ્ડિંગમાં સાયકલ ટ્રેક કપાયો
સાયકલ ટ્રેક ઉપર હાઉસિંગનાં બિલ્ડિંગ બનાવવામાં આવ્યાં છે. અહીં બિલ્ડિંગ બનતા સાયકલ ટ્રેક કપાય ગયો છે. બિલ્ડિંગમાં જવા માટેનો દરવાજો મૂકી દેવામાં આવ્યો છે.
અધિકારી અને કોન્ટ્રાકટર સામે કાર્યવાહી જરૂરી
યોગ્ય જગ્યા ન હોવા છતા કોલેજ રોડ પર સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. તેમજ કામ અધુરું રાખી દેવામાં આવ્યું છે. સાયકલ ટ્રેકનું કામ કરનાર કોન્ટ્રાકટર સામે તપાસ થવી જોઇએ. અને તેને ચુકવવામાં આવેલી રકમ વ્યાજ સાથે વસુલ કરવી જોઇએ. તેમજ આ કામનાં બીલ પાસ કરનાર અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઇએ.
હાલ મોલ બનતો હોય દબાણ
કોલેજ રોડ પર મોલ બની રહ્યો છે, જેના કારણે અહી સાયકલ ટ્રેક અને ફૂટપાથ પર રેતીનાં ઢગલા કરી દેવામાં આવ્યાં છે. પરિણામે લોકો અહીં ચાલી પણ શકતા નથી. મોતીબાગથી ચાલીને આવતા છાત્રોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મનપા આ રેતીને ઢગલા દુર કરે તેવી માંગ ઉઠી છે.


