ધોધમાર વરસાદથી પોશ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા : આર્મી તૈનાત
સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદથી સમગ્ર શહેર જળમગ્ન બન્યું છે. ૩૧ જુલાઈએ સવારથી જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અને ભેદવાડ ખાડી પણ ઓવરફલો થઈ ચૂકી છે. શહેરના પાંડેસરા, કતારગામ અને ડભોલી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર છે. લિંબાયતમાં રોડ પર ભૂવો પડતા બેરીકેડિંગ કરવામાં આવ્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા જિલ્લાના તમામ કારખાનાઓ બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ જારી કરાયો છે. જ્યારે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી આર્મીની ટીમ સુરત માટે રવાના કરી દેવામાં આવી છે.
- Advertisement -
પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ પહોંચ્યા હતા અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદની ગંભીરતાને જોતાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. આજનો આખો દિવસ અને રાત્રે પણ અતિભારે વરસાદની આગાહી હોવાથી લોકો જ્યાં હોય ત્યાં સુરક્ષિત સ્થળે જ છે. રહે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે. વરાછામાં મીની બજાર ખાતે પાણી ભરાતા હીરા વેપારીઓ, હીરા દલાલ અને રત્નકલાકારો હાલાકી થઈ રહી છે. પ્રિન્સેસ પ્લાઝા બહાર ઘૂંટણ સુધીના પાણી ભરાતા અટવાઈ ગયા હતા.
શહેરના રાશિ સર્કલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે. ચારે કોર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોકોના વાહનો બંધ પડી રહ્યા છે. શહેરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે સૂર્યપુર ગરનાળામાં પાણીનું સ્તર ભયજનક રીતે વધી ગયું હતું, જેના કારણે ત્યાંથી પસાર થતાં અનેક વાહનચાલકો પાણીમાં અટવાઈ પડ્યા હતા.
શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સૌથી વધુ વરવી પરિસ્થિતિ પોશ ગણાતા રોડ પર જોવા મળી રહી છે, જ્યાં ટઈક રોડ-૧ અને ટઈક રોડ-ર વચ્ચે આવેલી અનેક રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારોમાં ખાસ કરીને સુમન ભાર્ગવ આવાસની આસપાસના ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
સતત વરસી રહેલા અતિભારે વરસાદના કારણે નગરપાલિકા વિસ્તારની મુખ્ય પાંચ ખાડી પૈકીની ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવીને ઓવરફલો થઈ ગઈ છે. ભેદવાડ ખાડીની ભયજનક સપાટી ૭.૨ મીટર છે, જેની સામે હાલ પાણીની વહન સપાટી ૭.૩૦ મીટરે પહોંચી જતાં આસપાસના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પૂરનું પાણી ફરી વળવાની દહેશત સર્જાઈ છે.




