ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢમાં છેલ્લા 15 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને ગેરકાયદેસર રીતે રહેતી એક બાંગ્લાદેશી મહિલાને બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે. હાલ આ મહિલાને નજરકેદ રાખવામાં આવી છે અને તેને નિયમાનુસાર ડિપોર્ટ (સ્વદેશ પરત) કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ. બી. ચૌધરી અને તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે જોષીપુરા વિસ્તારમાંથી એક શંકાસ્પદ મહિલાને અટકાવવામાં આવી હતી. શરૂઆતમાં મહિલાએ પોતાનું નામ આયશાબેન સુભાનભાઈ શેખ રહે. ગુજરાત હાઉસિંગ કોલોની, જૂનાગઢ જણાવ્યું હતું. જોકે, તેની પાસે ભારતીય નાગરિક હોવાના કોઈ પણ પુરાવા મળી આવ્યા ન હતા. પોલીસની કડક પૂછપરછમાં મહિલા ભાંગી પડી હતી અને પોતે બાંગ્લાદેશી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેના રહેણાંક સ્થળે તપાસ કરતા તેનો અસલ બાંગ્લાદેશી પાસપોર્ટ મળી આવ્યો હતો. પાસપોર્ટ મુજબ તેનું સાચું નામ મોસમદ શનહારા બેગમ (પુત્રી: અયુબઅલી સરદાર, રહે. તુલસીડંગા, બાંગ્લાદેશ) હોવાનું બહાર આવ્યું છે. આ મહિલા છેલ્લા 15 વર્ષથી જૂનાગઢના અલગ-અલગ વિસ્તારોમાં ભાડે રહીને પોતાની ઓળખ છુપાવી રહી હતી. પોલીસ દ્વારા હવે આ મહિલાને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી બાંગ્લાદેશ પરત મોકલવાની પ્રક્રિયા કરવામાં આવશે.



