વાહનો પર હવે સનાતન, હિન્દુ, પાટીદાર, રાજપૂત લખી નહીં શકાયઃ ટુ-વ્હીલરથી ટ્રક સુધી જાતિસૂચક લખાણ-ચિહ્નો પર પ્રતિબંધ
ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર સનાતન, હિન્દુ, પાટીદાર, રાજપૂત સહિત જાતિ દર્શાવતા શબ્દો-ચિહ્નો કે લખાણનું પ્રદર્શન કરી શકાશે નહીં. રાજ્ય સરકારે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતી બાબતોને નિયંત્રિત કરવા મોટર વાહન નિયમોમાં સુધારો કર્યો છે. આ માટે બંદરો અને વાહન-વ્યવહાર વિભાગ દ્વારા ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, ૨૦૨૬ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ૧૭ નવેમ્બર, ર૦ર૬ના રોજ જાહેર કરેલા આ સુધારા હેઠળ ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯માં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ નિર્ણયથી વાહનો પર અટક, જ્ઞાતિ કે જાતિ દર્શાવતા શબ્દો લખવાની પ્રવૃત્તિ સામે નિયમનાત્મક કાર્યવાહીનો માર્ગ ખુલ્યો છે. નવા સુધારા હેઠળ નિયમ ૧૨૫ના પેટા નિયમ (૧)માં ‘No advertising device, figure’ શબ્દોની જગ્યાએ ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયમ ૧૩૮માં પેટાનિયમ (૨) પછી નવું પેટા નિયમ (૩) ઉમેરવામાં આવ્યું છે. આ જોગવાઈ મુજબ રાજ્ય સરકારના સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.



