૨૮ પ્લોટ અને સ્ટોલ માટે ૪૧૮થી વધુ ફોર્મ ભરાઈને પરત આવ્યા
રમકડાના 100 સ્ટોલ માટે માત્ર 31 જ ફોર્મ ભરાયા
- Advertisement -
રાજકોટના રેસકોર્સ મેદાનમાં સાતમ-આઠમના તહેવાર નિમિત્તે ભાતીગળ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે ૨૨૮ પ્લોટ અને સ્ટોલ માટે ૪૧૮થી વધુ ફોર્મ ભરાઈને પરત આવી જતાં તંત્રના શ્વાસ હેઠા બેઠા છે. જો કે આ વર્ષે રમકડાના સ્ટોલ માટે નિરૂત્સાહ જોવા મળ્યો છે. રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આગામી તા.ર સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બરમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૨૮ પ્લોટ અને સ્ટોલ માટે ત્રિકોણ બાગ તોરલ બિલ્ડિંગ ઈન્ડિયન બેન્ક ખાતેથી ફોર્મ વિતરણ ચાલી રહ્યું છે.
શરૂઆતના તબક્કામાં ફોર્મ વિતરણ સામે ફોર્મ પરત ઓછા આવતા લોકમેળા સમિતિએ ત્રણ દિવસની સમય મર્યાદા વધારી છે ત્યારે ૨૨૮ પ્લોટ-સ્ટોલ સામે આજ સુધીમાં ૪૧૮થી વધુ ફોર્મ ભરાઈને ડિપોઝિટ સાથે પરત આવી ગયા છે. જેમાં નાના ખાણીપીણીના ૮ સ્ટોલ સામે ૧૬ ફોર્મ, મધ્યમ ચકરડીના ૩ પ્લોટ સામે ૬૯ ફોર્મ, નાની ચકરડીના ૨૪ પ્લોટ સામે ૧૮૪ ફોર્મ, એક્ઝિબિશનના ૨ પ્લોય સામે ૧ ફોર્મ, કોર્નરના ખાણીપીણીના ૪૦ પ્લોટ માટે ૩૮ ફોર્મ, મોટી યાંત્રિક રાઈડના ૩૪ પ્લોટ માટે ૧૦૦ ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જ્યારે આઈસ્ક્રીમના ૧૭ ચોકઠા માટે ૧૭ ફોર્મ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે રમકડા માટે ૧૦૦ જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી ભારે વરસાદના કારણે કે અન્ય કારણોસર રમકડાના ધંધામાં વેપાર થતો ન હોય આ વર્ષ રમકડાના માત્ર ૩૧ જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. હજુ બે દિવસ બાકી હોય રમકડાના સ્ટોલ માટે વહીવટીતંત્ર પુરતા પ્રયાસો કરી રહી છે. બીજી બાજુ શનિવારે રમકડા, નાની ચકરડી, મધ્યમ ચકરડી અને કોર્નરના ખાણીપીણીના સ્ટોલ માટે યોજાનાર ડ્રો હવે ૧ ઓગસ્ટે યોજાશે. જ્યારે મોટા ખાણીપીણીના સ્ટોલ, યાંત્રિક રાઈડ અને આઈસ્ક્રીમના ચોકઠા માટે આગામી ૩ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ દરમિયાન જૂની કલેક્ટર કચેરી ખાતે હરજી કરવામાં આવશે.
વિવિધ કેટેગરીમાં પરત આવેલા ફોર્મની માહિતી
લોકમેળામાં લે-આઉટ મુજબ નક્કી કરાયેલા ૨૨૮ પ્લોટ/સ્ટોલ સામે કુલ ૪૧૮ ફોર્મ પરત મળ્યા છે. જેમાં ‘બી’ કેટેગરી – રમકડાંના ૧૦૦ સ્ટોલ સામે ૩૧ ફોર્મ, ‘સી’ કેટેગરી – નાની ખાણીપીણીના ૦૮ પ્લોટ સામે ૧૬ ફોર્મ, ‘જે’ કેટેગરી – મધ્યમ ચકરડીના ૦૩ પ્લોટ સામે ૬૯ ફોર્મ અને ‘કે’ કેટેગરી – નાની ચકરડીના ૨૪ પ્લોટ સામે ૧૮૪ ફોર્મ પરત આવ્યા છે. ઉપરાંત, ‘એ’ કેટેગરી – એક્ઝિબિશનના ૦૨ પ્લોટ સામે ૦૧ ફોર્મ, ‘બી-1’ – કોર્નરના ૪૦ પ્લોટ સામે ૩૮ ફોર્મ, ‘ઇ’ કેટેગરી – યાંત્રિકના ૦૫ પ્લોટ સામે ૧૨ ફોર્મ, ‘એફ’ કેટેગરી – યાંત્રિકના ૦૩ પ્લોટ સામે ૦૫ ફોર્મ, ‘જી’ કેટેગરી – યાંત્રિકના ૨૦ પ્લોટ સામે ૩૯ ફોર્મ, ‘એચ’ કેટેગરી – યાંત્રિકના ૦૬ પ્લોટ સામે ૦૬ ફોર્મ તથા ‘એક્સ’ કેટેગરી – આઇસક્રીમના ૧૭ પ્લોટ સામે ૧૭ ફોર્મ ભરાઈને આવ્યા છે.




