9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ : રાજપીપળા-સિસોદરા માર્ગ બંધ
તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી યુવકનું રેસ્ક્યૂ કરાયું
- Advertisement -
રેડ એલર્ટની આગાહી સાથે સવારના ૬થી ૧૨ વાગ્યા સુધીમાં ૧૧૫ તાલુકામાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ૮ ઈંચ વરસાદ નોંધાયો છે. ૯ તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાં માત્ર ૧૫ મિનિટના વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયાં છે, તો કરંટ લાગતા ૩ લોકોના મોત થયાં છે. સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીમાં અશ્વિન નદીમાં ફસાયેલા યુવકનું અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી યુવકનું રેસ્ક્યુ કરાયું હતું.
વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે. તો અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે પણ તડકો જોવા મળી રહ્યો છે. નાઉકાસ્ટ મુજબ, બપોરના ૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, આણંદ, ખેડા, ભરૂચ, અરવલ્લી અને નર્મદામાં રેડ એલર્ટ આપ્યું છે. રાજ્યમાં ૨ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત ૧૩ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ જારી કરાયું છે. તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત ૭ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને વીજકરંટ લાગતાં ૩ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ૨ મજૂરોને સારવાર અર્થે ખારેલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે વધુ એક ગંભીર દર્દીને સુરત રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ સ્થિતિની સમીક્ષા માટે ગણદેવા જવા રવાના થયા હતા. પંચમહાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે હાલોલ, કાલોલ અને જાંબુઘોડા સહિત સમગ્ર વિસ્તારમાં મોડી રાતથી ધોધમાર અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પાવાગઢ ડુંગર સંપૂર્ણપણે ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયો છે. વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. યાત્રાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં જિલ્લા તંત્ર અને મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આગામી બે દિવસ સુધી પાવાગઢની યાત્રા ટાળવા ખાસ અપીલ કરવામાં આવી છે.
એકસાથે ચાર સિસ્ટમ સક્રિય, અત્યંત ભારે વરસાદની આગાહી
હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં ૧. ડીપ ડિપ્રેશન, ૨. મોનસૂન ટ્રફ, ૩. અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને ૪. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ૨ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની સ્પીડ ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિકલાકની રહેશે.




