શહેરના કોઠારીયા રોડ પર દેવપરા શાક માર્કેટમાં દુકાન
મલાઇ ગરમ કરી ડાલડા ઘી અને સોયાબીન તેલ ઉમેરી વેંચાણ થતું’તું
લોકોના આરોગ્ય સાથે ચેડા કરી નફો રળનારા અનેક છાનેખુણે અવળા ધંધા કરતાં હોય છે. શહેરના કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતો અને દેવપરા શાક માર્કેટમાં ઘીનો વેપાર કરતો વેપારી ભેળસેળીયુ ઘી અસલી હોવાનું કહી માત્ર રૂ. 240નું કિલો વેંચતો હોવાનું અને ઘરે ભેળસેળીયુ ઘી મોટા પ્રમાણમાં બનાવતો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડતાં 210 કિલો ભેળસેળીયુ ઘી મળી આવતાં કાર્યવાહી કરી મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગને જાણ કરતાં ઘીના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવા તજવીજ થઇ હતી.
આ વેપારીને અગાઉ પણ પોલીસે આવા ખોટા ધંધા કરતાં પકડીને કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ શહેર ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ.
- Advertisement -
વિક્રમભાઇ ગમારા અને પ્રતાપસિંહ મોયાને પાક્કી બાતમી મળતાં કોઠારીયા રોડ શાળા નં. 61ની પાછળ હુડકો કવાર્ટર બી-14માં દરોડો પાડી તપાસ કરતાં પરેશ રમણીકભાઇ કોટક (ઉ.વ.44) ઘીમાં ભેળસેળ કરતો હોવાનું જણાતાં આરોગ્ય વિભાગને જાણ કરતાં ફૂડ સેફટી ઓફિસર કે. એમ. રાઠોડ સહિતની ટૂકડી પણ પહોંચી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં ઘરમાંથી શંકાસ્પદ ઘીનો 210 કિલોગ્રામનો જથ્થો મળી આવતાં રૂ. 50400નું ઘી તથા મિલાવટ કરવાના સાધનો મળી કુલ 52950નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આરોગ્ય શાખાએ ઘીના નમુના લઇ પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવા તજવીજ કરી હતી.
ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક પુછતાછમાં વેપારી પરેશ કોટકે કબુલ્યું હતું કે પોતે ડેરીમાંથી મલાઇની ખરીદી કરી ઘરે લાવે છે અને મલાઇના જથ્થાને ગરમ કરી તેમાં ડાલડા ઘી તથા સોયાબીન તેલ ઉમેરી આ ઘી ચોખ્ખુ ઘી છે તેવું કહી પોતાની દેવપરા શાક માર્કેટમાં આવેલી જલીયાણ ઘી નામની દૂકાનેથી વેંચાણ કરે છે. સામાન્ય રીતે અસલી-ચોખ્ખુ ઘી સાતસો રૂપિયા આસપાસ એક કિલો વેંચાતું હોય છે.
પણ પોતે આ ભેળસેળીયુ ઘી ચોખ્ખુ હોવાનું કહી ગ્રાહકોને રૂ. 240નું કિલો લેખે વેંચતો હતો. વર્ષોથો પોતે આવુ કરતો હોવાનું અને અગાઉ પણ પોલીસના હાથે એક વખત પકડાઇ ગયાનું કબુલ્યું હતું.


