બુધવારે જાહેર કરવામાં આવેલા આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં જાહેરાત
બુમરાહની ટોપ-5માં એન્ટ્રી : ભારત-શ્રીલંકા બીજી ટેસ્ટમાં બુમરાહે આઠ વિકેટ ઝડપી હતી
શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં જસપ્રિત બુમરાહે ઘરઆંગણે પ્રથમ વખત એક ઈનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. પોતાના આ ધમાકેદાર પ્રદર્શનના કારણે જસપ્રિત બુમરાહને ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. બુધવારે જાહેર કરવામાં આવેલી આઈસીસી રેન્કિંગ્સમાં ભારતીય ઝડપી બોલર ટોપ-5માં આવી ગયો છે. તેણે છ સ્થાનનો કૂદકો માર્યો છે અને ચોથા ક્રમે આવી ગયો છે. જ્યારે ફોર્મ મેળવવા માટે સંઘર્ષ કરી રહેલો સ્ટાર બેટર વિરાટ કોહલી નવમાં ક્રમે ધકેલાઈ ગયો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરૂમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ડે-નાઈટ હતી જેમાં બુમરાહે કુલ આઠ વિકેટ ઝડપી હતી. તેણે બોલર્સ માટેની ટેસ્ટ રેન્કિંગમાં શાહીન શાહ આફ્રિદી, કાયલે જેમિસન, ટિમ સાઉધી, જેમ્સ એન્ડરસન, નેઈલ વેગનર અને જોશ હેઝલવૂડને પાછળ રાખી દીધા છે.
- Advertisement -
ભારતીય સુકાની રોહિત શર્માએ પોતાનું છઠ્ઠુ સ્થાન જાળવી રાખ્યું છે. ઈન-ફોર્મ બેટર શ્રેયસ ઐય્યરને બીજી ટેસ્ટમાં તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે અને તેણે 40 સ્થાનનો કૂદકો મારીને 37મું સ્થાન હાંસલ કર્યું છે.
ઓલ-રાઉન્ડર્સ યાદીમાં ભારતીય સ્ટાર રવિન્દ્ર જાડેજાને પોતાનું નંબર વનનું સ્થાન ગુમાવવું પડ્યું છે. વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર નંબર વન ઓલ-રાઉન્ડર બની ગયો છે. શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટમાં અણનમ 175 રનની ઈનિંગ્સ રમ્યા બાદ નવ વિકેટ ઝડપ્યા બાદ જાડેજા નંબર વનના સ્થાને પહોંચી ગયો હતો. રવિચંદ્રન અશ્વિન, સાકીબ અલ હસન અને બેન સ્ટોક્સ ટોપ-5માં સામેલ ઓલ-રાઉન્ડર છે.


