ત્રણ રાજયોગ અને શનિ-શુક્રના દુર્લભ સંયોગમાં હોળી પ્રગટાવાશે, ભદ્રાના કારણે સાંજની જગ્યાએ રાત્રે હોલિકા દહન કરવું
આજે રાત્રે શહેરમાં હોલીકા દહનના દર્શન માટે લોકોમાં ઉત્સાહ
બજારોમાં ધાણી-દાળિયા, ખજૂર-હારડાની માંગમાં વધારો: ભાવમાં કોઈ વધારો નહીં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે હોલીકાદહનનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. આ પર્વમાં ખાસ કરીને ધાણી, દાળિયા, ખજૂર, હારડાનું ખૂબ મહત્ત્વ રહેલું હોય છે ત્યારે બજારોમાં રંગોની પિચકારીની સાથે પરંપરાગત રીતે હોળીમાં અર્પણ કરવામાં આવતી ધાણી, દાળિયા, શ્રીફળ, ખજૂરનું ભારે મહત્ત્વ હોય છે જેથી કરી બજારોમાં આ તમામ વસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

- Advertisement -
રાજકોટના રંગીલા લોકોમાં હોળી-ધૂળેટી ઉજવવાનો ઉત્સાહ બજારોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. રાજકોટમાં જંકશન પ્લોટની હોળી, પંચનાથ મહાદેવ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, યુનિ. રોડ, કાલાવડ રોડ સહિતના અનેક વિસ્તારોની હોળી ખૂબ જ પ્રખ્યાત છે. હોલીકા દહનની તૈયારીને આખરીઓપ અપાઈ રહ્યો છે. સાંજે પડ્યે હોલીકાદહનના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.

વધુમાં આ પર્વ પર જેનું મહત્ત્વ રહેલું છે તેવી ખજૂર, હારડા, ધાણી, દાળિયાના ભાવ આ વર્ષે વધ્યા નથી. ખજૂરમાં જુદી-જુદી વેરાયઈટી છે. જેમાં જાયબી, દેશી (મસ્કન), કીમીયા જેનો કિલોનો ભાવ રૂા. 250 જે બી વિનાના ખજૂર છે. આ સાથે ધાણી રૂા. 100ની કિલો, દાળિયા રૂા. 120ના કિલો, હારડા રૂા. 80, શ્રીફળ રૂા. 25 બજારમાં વેચાઈ રહ્યું છે તેવું વેપારીઓનું કહેવું છે.

- Advertisement -
આ વખતે ભદ્રા દોષના કારણે હોલિકા દહન સાંજની જગ્યાએ રાત્રે કરવાનું શુભ રહેશે. ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે સાંજે જો ભદ્રા દોષ હોય તો રાત્રે હોલિકા દહન કરવું જોઈએ.
પુરીના જ્યોતિષી કહે છે કે, આવું પહેલી વખત થઈ રહ્યું છે જ્યારે ગજકેસરી, વરિષ્ઠ અને કેદાર નામના ત્રણેય રાજયોગની સાથે વસંત ઋતુમાં ગુરુવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હોલિકા દહન થશે. સાથે ફાલ્ગુન મહિનાનો સ્વામી શનિ અને વસંત ઋતુનો સ્વામી શુક્ર બંને મિત્ર છે અને એક જ રાશિમાં રહેશે. આવી સ્થિતિ આજ સુધી ક્યારેય બની નથી. આ એક દુર્લભ સંયોગ છે. જે 17 માર્ચે એટલે કે આજે બની રહ્યો છે.

હોળીની પૂજા સાંજે અને દહન રાત્રે
હોળી પૂજા પ્રદોષ કાળ એટલે કે સાંજે કરવાનો નિયમ છે. તેથી સાંજે 6થી 7.30 સુધી હોળીની પૂજા કરી શકાય છે. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે, પ્રદોષ કાળમાં ભદ્રા હોવાથી પૂજા તો કરી શકાય છે પરંતુ હોલિકા દહન ભદ્રા દોષ પૂરો થયા પછી કરવું જોઈએ. આ વખતે ભદ્રા કાળ બપોરે 1.21 વાગ્યાથી શરૂ થઈને રાત્રે લગભગ 1.22 સુધી રહેશે. તેથી હોલિકા દહનનું શુભ મુહૂર્ત રાત્રે 1.22થી સવારે 6.28 વાગ્યા સુધી રહેશે.
પહેલા ભગવાન નૃસિંહ અને છેલ્લે હોલિકા પૂજા
સૌથી પહેલા ભગવાન નૃસિંહનું ધ્યાન કરીને પ્રણામ કરો. પછી ચંદન, ચોખા, અને ફૂલ સહિત પૂજા સામગ્રી ચઢાવો. પછી પ્રહલાદને યાદ કરીને નમસ્કાર કરો અને પૂજા સામગ્રી ચઢાવો. તેના પછી હોળીની પૂજા કરો. પૂજા કરતા સમયે પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોં હોવું જોઈએ.
રાજયોગમાં હોલિકા દહન દેશ માટે શુભ
આ 3 રાજયોગની દેશ પર શુભ અસર થશે. હોળી પછી દીવાળી સુધી માર્કેટમાં તેજી રહેશે. બિઝનેસ કરનારા લોકો માટે સારી સ્થિતિ રહેશે. ફાયદાનો સમય રહેશે. ટેક્સ વસૂલી વધી શકે છે. વિદેશી રોકાણ વધવાનો યોગ પણ છે. દેશમાં બીમારીઓનું સંક્રમણ ઓછું થશે. નવા રોગો પણ નહીં આવે. ઉદ્યોગ વધશે. રિયલ એસ્ટેટ સાથે સંબંધિત લોકો માટે સારો સમય રહેશે. મોંઘવારી નિયંત્રણમાં રહેશે.


